શનિવારે મોડી રાત્રે પશ્ચિમ રશિયાના બ્રાન્સ્ક વિસ્તારમાં એક પુલ તૂટી પડતાં પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૭ લોકોના મોત થયા હતા અને ૨૮ અન્ય ઘાયલ થયા હતા.
મોસ્કોના રેલ્વે વિભાગના એક નિવેદન અનુસાર, ટ્રેન મોસ્કોથી પશ્ચિમ રશિયાના ક્લિમોવ જઈ રહી હતી ત્યારે વાયગોનિચસ્કી જિલ્લામાં પાટા પરથી ઉતરી ગઈ હતી. અધિકારીઓએ પુલ તૂટી પડવાનું કારણ “પરિવહન કામગીરીમાં ગેરકાયદેસર દખલ” ગણાવ્યું હતું, જોકે આ મામલે હજુ કોઈ વિગતો આપવામાં આવી નથી.
બ્રાન્સ્કના ગવર્નર એલેક્ઝાન્ડર બોગોમાઝે ટેલિગ્રામ પર ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. રશિયાના ઈમરજન્સી મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ફેડરલ હાઇવે નજીક થયો હતો અને મોટી સંખ્યામાં બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે. અહેવાલ અનુસાર મૃતકોમાં ટ્રેન પાઈલટ પણ શામેલ છે.
જોકે કેટલાક મીડિયા ચેનલ દ્વારા દાવો કરાયો છે કે આ બ્રિજને જાણી જોઇને ઉડાવી દેવામાં આવ્યો હતો. જોકે હજુ આવા અહેવાલોની પુષ્ટી થઇ શકી નથી. યુક્રેનિયન અધિકારીઓ તરફથી પણ આ મામલે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
