ફૂટબોલના ક્રેઝી ફેન્સ ઘણીવાર મર્યાદા ચૂકીને રમતને લઈને ગાંડા કાઢતા હોય છે. એવી જ એક ઘટના ૩૧ મે, ૨૦૨૫ ની રાતે ફ્રાન્સની રાજધાની પેરિસમાં બની ગઈ. જર્મનીના મ્યુનિક શહેરમાં રમાયેલી ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં ફૂટબોલ ટીમ ‘પેરિસ સેન્ટ-જર્મન’ (પીએસજી) એ ‘ઈન્ટર મિલાન’ને હરાવી દેતાં જીતનો જશ્ન મનાવવા પીએસજી ના ફેન્સ પેરિસના રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ઉજવણીએ હિંસક રૂપ લીધું, લોકો માર્યા ગયા અને પોલીસે અનેકની ધરપકડ કરવી પડી.
પેરિસના લગભગ ૫૦,૦૦૦ લોકો જાહેર સ્થળે મોટી સ્ક્રીન પર ચેમ્પિયન્સ લીગની ફાઈનલ જોવા માટે એકઠા થયા હતા. બંને ટીમના સપોર્ટરો વચ્ચે અથડામણ થઈ હતી જેણે હિંસક વળાંક લીધો હતો. આ ઘટનામાં એક ૧૭ વર્ષીય કિશોર સહિત બે લોકોના મોત થયા, જ્યારે 192 લોકોને ઈજા થઈ. હિંસક ટોળાએ જાહેર મિલકતોની પણ આગચંપી કરી. એટલું જ નહીં, પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો પર પણ હુમલો કર્યો. સ્થિતિ કાબુ બહાર જતાં પોલીસે ટોળાને વિખેરવા માટે ટિયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો. આ દરમિયાન પોલીસે ૫૫૯ લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અરાજકતાનો લાભ લેવા માટે અનેક લોકોએ સ્ટોર્સમાં ઘૂસીને લૂંટ મચાવી હતી. ફ્રાન્સના ગૃહ મંત્રી બ્રુનો રિટેલ્યુએ હિંસામાં સંડોવાયેલા લોકોને ‘જંગલી’ ગણાવતાં એક્સ પર લખ્યું હતું કે, ‘બાર્બેરિયન પેરિસની શેરીઓમાં ઉતરી આવ્યા છે.’
ફૂટબોલ મેચની હાર-જીતને પગલે હિંસા ફાટી નીકળી હોય અને લોકોએ જીવ ગુમાવ્યો હોય એવા કિસ્સાઓથી ઈતિહાસ ભર્યો પડ્યો છે. એવા અમુક કિસ્સાઓ પર નજર નાંખીએ.
- ૧૯૮૫ માં યુરોપિયન કપની ફાઈનલ પહેલા ‘લિવરપૂલ’ અને ‘જુવેન્ટસ’ના ફેન્સ વચ્ચે બેલ્જિયમના બ્રસેલ્સ શહેરમાં થયેલી હિંસક અથડામણમાં ૩૯ લોકો માર્યા ગયા હતા અને ૬૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને કારણે યુરોપિયન સ્પર્ધામાં અંગ્રેજી ક્લબો પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકાયો હતો.
- ૧૯૬૯ માં ‘અલ સાલ્વાડોર’ અને ‘હોન્ડુરાસ’ વચ્ચે તો ફૂટબોલને કારણે યુદ્ધ છેડાઈ ગયું હતું! ૧૯૭૦ ના ફૂટબોલ વિશ્વકપ માટેની ક્વોલિફાઇંગ મેચ બાબતે શરૂ થયેલા રમખાણોમાં બંને દેશો વચ્ચેની જૂની દુશ્મનાવટ ભળતા લશ્કરી સંઘર્ષ થયો હતો. સાલ્વાડોરની સેનાએ હોન્ડુરાસ પર હુમલો કરતાં ટૂંકા ગાળાનું યુદ્ધ થયું હતું. સત્તાવાર રેકોર્ડ મુજબ અલ સાલ્વાડોરમાં ૧૦૭ અને હોન્ડુરાસમાં ૯૯ લોકો માર્યા ગયા હતા. જોકે, આ આંકડા સરકારી છે. લોકોનું કહેવું છે કે આના કરતાં ક્યાંય વધુ જાનહાનિ થઈ હતી, સેંકડો લોકો માર્યા ગયા હતા. એ સંઘર્ષના પરિણામે હજારો લોકોનું વિસ્થાપન પણ થયું હતું.
- ૧ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ ઈન્ડોનેશિયાના કાંજુરુહાન સ્ટેડિયમમાં ‘અરેમા’ અને ‘પર્સેબાયા સુરાબાયા’ વચ્ચે ફૂટબોલ મેચ ખેલાઈ હતી, જેમાં ‘અરેમા’ની હાર થતાં એ ટીમના ૩,૦૦૦ જેટલા સમર્થકો મેદાનમાં ધસી જઈને ધમાલ કરવા લાગ્યા હતા. તોફાની સમર્થકોએ અરેમાના ખેલાડીઓ અને ટીમના અધિકારીઓ પર હુમલો કર્યો હતો. પોલીસે તોફાનીઓને રોકવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો, જેનાથી બચવા માટે સ્ટેડિયમમાં નાસભાગ મચી ગઈ હતી. બહાર નીકળવા માટે ભાગતી ભીડમાં ૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા, અને ૫૮૩ ઈજાગ્રસ્ત થયા હતા.
- ફેબ્રુઆરી ૨૦૧૨ માં ઈજિપ્તના પોર્ટ સૈદ શહેરમાં ‘અલ મસરી’ અને ‘અલ અહલી’ વચ્ચેની મેચના અંતે ચાહકોમાં તોફાન ફાટી નીકળ્યું હતું, જેમાં ૭૩ લોકો માર્યા ગયા હતા અને ૧,૦૦૦ થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આ તોફાનને પગલે ઈજિપ્શિયન લીગ યોજવા પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂકાયો હતો.