આજે દિલ્હી સ્થિત કૉન્સ્ટિટ્યૂશન ક્લબમાં ઈન્ડિ ગઠબંધન (આઈ.એન.ડી.આઈ.એ.)ની બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના નેતા જયરામ રમેશ, શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉત, સમાજવાદી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવ, રાષ્ટ્રીય જનતા દળના સભ્ય મનોજ ઝા, અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના સભ્ય ડેરેક ઓ બ્રાયન સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન વિપક્ષોએ ઓપરેશન સિંદૂર મુદ્દે કેન્દ્ર સરકાર પર પારદર્શિતાની અછતનો આક્ષેપ કર્યો છે અને વિશેષ સત્ર બોલાવાની માંગ કરી છે.
ઈન્ડિ ગઠબંધનની બેઠક યોજાયા બાદ વિરોધ પક્ષના ૧૬ પક્ષોએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે અને વિશેષ સત્ર બોલાવાની માંગ કરી છે. પત્રમાં પલહગામ, પુંછ. ઉરી, રાજૌરીમાં થયેલા આતંકવાદી હુમલાઓ અને ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ઘર્ષણ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર સંસદમાં સ્વતંત્ર ચર્ચા કરવાની વાત કહેવાઈ છે.

તૃમણૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘૧૬ રાજકીય પક્ષોએ વડાપ્રધાનને પત્ર લખીને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે. સરકાર સંસદ પ્રત્યે જવાબદાર છે અને સંસદ જનતા પ્રત્યે જવાબદાર છે.’ તેમણે કહ્યું કે, વિપક્ષોની ઈચ્છા છે કે, સરકાર માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે જ નહીં, સંસદમાં પણ જવાબ આપે.
કોંગ્રેસ સાંસદ દિપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, ‘વિપક્ષે દેશના મુશ્કેલ સમયમાં સેના અને સરકારને સંપૂર્ણ સાથ આપ્યો. જ્યારે અમેરિકાએ યુદ્ધવિરામની જાહેરાત કરી, ત્યારે અમને લાગ્યું કે, સંસદનું વિશેષ સત્ર બોલાવીને સેનાનો આભાર વ્યક્ત કરવો જોઈએ. આ ઉપરાંત આતંકવાદ વિરુદ્ધની આગામી રણનીતિ પર પણ ચર્ચા જરૂરી છે.’
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે કેન્દ્ર સરકાર પર નિશાન સાધીને કહ્યું કે, ‘તમે આખી દુનિયામાં માહિતી આપી રહ્યા છો, પરંતુ સાંસદોને નહીં… આપણે રાજદ્વારી સ્તરે સંપૂર્ણ નિષ્ફળ ગયા છીએ. ટ્રમ્પે મધ્યસ્થતાની વાત કહી નાખી અને સરકાર ચૂપ છે. આ મુદ્દો સંસદમાં ચર્ચા કરવા માટે યોગ્ય છે.’
શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે કટાક્ષમાં સવાલ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘જો ટ્રમ્પ માટે યુદ્ધવિરામ કરી શકાય છે, તો વિપક્ષના કહેવા પર સંસદમાં વિશેષ સત્ર કેમ બોલાવાતું નથી? શું આ માટે પણ અમારે ટ્રમ્પ પાસે જવું પડશે? જો સરકાર ખરેખર લોકશાહીમાં વિશ્વાસ રાખે છે, તો તેમણે સંસદમાં આવીને વાત કરવી જોઈએ.’
રાષ્ટ્રીય જનતા દળના નેતા મનોજ ઝા એ કહ્યું કે, ‘પહલગામમાં આતંકવાદી હુમલો થવાથી દેશભર દુઃખમાં હતો. ઓપરેશન સિંદૂર બાદ દેશ એક થયો હતો. એક વિદેશી રાષ્ટ્રપ્રમુખના કારણે દેશની ભાવનાને ઠેર પહોંચી છે. 1962ના યુદ્ધ વખતે વિશેષ સત્ર બોલાવાયું હતું. આજે પણ તે જ જરૂરી છે.’
ઈન્ડિ ગઠબંધનના તમામ પક્ષોએ સંસદમાં વિશેષ સત્ર બોલાવની માંગ કરી છે. વડાપ્રધાનને જે પત્ર લખવામાં આવ્યો છે, તેમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ટીએમસી, ડીએમકે, શિવસેના (ઉદ્ધવ જૂથ), આરજેડી, નેશનલ કોન્ફરન્સ, સીપીઆઈ(એમ), સીપીઆઈ, આઈયુએમએલ, આરએસપી, જેએમએમ, વીસીકે, કેરળ કોંગ્રેસ, એમડીએમકે અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી-લેનિનવાદી) લિબરેશન પાર્ટીએ હસ્તાક્ષર કર્યા છે.