વિરાટ કોહલીએ અંતે ૧૮ વર્ષની લાંબી રાહ જોયા બાદ આઈપીએલની ટ્રોફી હાંસલ કરી લીધી છે.
અમદાવાદમાં રમાયેલી આઈપીએલ ૨૦૨૫ ની ફાઈનલ મેચમાં આરસીબી એ પંજાબ કિંગ્સને છ રનથી હરાવ્યા હતાં. કોહલીએ ફાઈનલ મેચમાં આરસીબી માટે સૌથી વધુ ૪૩ રન બનાવ્યા હતાં. આરસીબી ની આક્રમક બોલિંગના કારણે પંજાબ કિંગ્સ ૧૮૪ રનમાં જ ઓલઆઉટ થઈ હતી. આરસીબી ની જીતની ઉજવણી કરતાં વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી.
આરસીબી ના સ્ટાર બેટર વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, આ ટીમે સપનું પૂરુ કર્યું. આ સિઝન હું ક્યારેય ભૂલીશ નહીં. અમે આ આઈપીએલ માટે છેલ્લા અઢી માસના પ્રવાસનો ભરપૂર આનંદ લીધો છે. આ જીત આરસીબી ના ચાહકો માટે છે. જેમણે ખરાબ સમયમાં પણ અમારો સાથ છોડ્યો નહીં. આ ભૂતકાળના વર્ષોમાં દિલ તૂટવા અને નિરાશા માટે છે. આ જીત ટીમ માટે રમવા પીચ પર થયેલા તમામ પ્રયાસો માટે છે. જ્યાં સુધી આઈપીએલની ટ્રોફીનો સવાલ છે – તમે મારા મિત્રને ઉઠાવવા અને ઉજવણી કરવા માટે ૧૮ વર્ષ સુધી રાહ જોવડાવી છે. પરંતુ આ રાહ યાદગાર રહી છે.
આરસીબી ની ટીમે આઈપીએલનો પહેલો ખિતાબ જીત્યો છે. તે અગાઉ ત્રણ વખત ૨૦૦૯, ૨૦૧૧ અને ૨૦૧૬ માં આઈપીએલ ફાઈનલ સુધી પહોંચી હતી. પરંતુ ત્રણેય વખત તેને નિરાશા મળી હતી. કિંગ કોહલી ૨૦૦૮ થી ફ્રેન્ચાઈઝી માટે દરેક સીઝન રમ્યો છે. આઈપીએલ ૨૦૨૫ ની ફાઈનલ મેચના છેલ્લા બોલ પર વિકેટ લીધા બાદ તે ભાવુક જોવા મળ્યો હતો. તેની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતાં. આરસીબી ની જીત બાદ તે ભાવુક થઈ નીચે બેસી ગયો હતો.