મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનને એસીબી ના સમન્સ
દિલ્હીની સરકારી શાળાઓમાં ક્લાસરૂમના બાંધકામમાં કથિત ભ્રષ્ટાચારના સંદર્ભમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) એ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને સમન્સ પાઠવ્યા છે. સત્યેન્દ્ર જૈનને ૬ જૂને અને મનીષ સિસોદિયાને ૯ જૂને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
દિલ્હીમાં આપ સરકારના શાસનકાળ દરમિયાન ૧૨,૭૪૮ ક્લાસરૂમના નિર્માણમાં ૨૦૦૦ કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ પ્રોજેક્ટ કથિત રીતે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા કેટલાક કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યો હતો. જેમાં બાંધકામમાં મોટા પાયે ખર્ચમાં વધારો જોવા મળ્યો હતો તેમજ નિર્ધારિત સમયગાળામાં એક પણ કામ પૂર્ણ થયું ન હતું.
એસીબી નોંધાયેલા કેસમાં, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર દિલ્હી સરકારી શાળાઓના ક્લાસરૂમના નિર્માણમાં મોટી નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો આરોપ છે. તેમજ તપાસ એજન્સીએ નોંધાયેલા કેસમાં આરોપ લગાવ્યો છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના શાસનકાળ દરમિયાન ૧૨,૭૪૮ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા હતા. ચાર્જશીટ મુજબ, આ વર્ગખંડોના બાંધકામમાં હલકી ગુણવત્તાવાળા મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તેના માટે પૈસા વધુ સારી આરસીસી બાંધકામ ટેકનોલોજીના દરે વસૂલવામાં આવ્યા હતા.
એન્ટી કરપ્શન બ્યુરોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે આ ક્લાસરૂમ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા ૩૪ કોન્ટ્રાક્ટરોમાંથી મોટાભાગના આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા હતા. જેમાં આ લોકો સાથે મળીને હલકી ગુણવત્તાવાળા ક્લાસરૂમ બનાવીને નાણાકીય ગેરરીતિ કરવામાં આવી હતી. આમાં બાળકોની સલામતી પણ દાવ પર લગાવવામાં આવી હતી.
