આજે અયોધ્યામાં ફરી એક ઇતિહાસ રચાયો છે. જેમાં ૨૧ મૂર્તિઓ સોના ચાંદીના આભૂષણ તથા વૈદિક મંત્રોચ્ચાર સાથે રામ મંદિરમાં ‘રામ દરબાર’ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
ભગવાન રામ પોતે શ્રી રામ જન્મભૂમિ ખાતે નવા બનેલા ભવ્ય રામ મંદિરના પહેલા માળે સ્થિત રામ દરબારમાં બિરાજમાન થયા છે. આજે, 5 જૂને, અભિજીત મુહૂર્ત અને સ્થિર લગ્નમાં, રામ દરબાર સહિત મંદિર સંકુલના સાત અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ શુભ પ્રસંગે, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. અયોધ્યા અને કાશીના ૧૦૧ આચાર્યો દ્વારા ૨૧ મૂર્તિઓ, સોના-ચાંદીના આભૂષણ તથા વૈદિક મંત્રોચ્ચાર સાથે રામ મંદિરના ‘રામ દરબાર’ની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.
ભવ્ય મંદિરમાં જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજા રામની પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે રામનગરીના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું. ચારે દિશાઓથી વૈદિક મંત્રોચ્ચારનો અવાજ ગુંજી રહ્યો હતો. બ્રહ્મમુહૂર્તથી જ મંદિર પરિસરમાં પંડિતો, આચાર્યો અને સંતોનો સામૂહિક અવાજ, શંખનો નાદ અને હવનની સુગંધથી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીએ આ ગૌરવપૂર્ણ ક્ષણને વધુ દિવ્ય બનાવી દીધી. મુખ્યમંત્રીએ તમામ દેવતાઓની મૂર્તિઓનો અભિષેક કર્યો. આ પછી, રામ દરબારની મૂર્તિ પરથી આવરણ દૂર કરવામાં આવ્યું. રાજા રામને આભૂષણોથી શણગારવામાં આવ્યા. આ દરમિયાન, અયોધ્યાના ૧૯ સંતો અને ધાર્મિક નેતાઓ પણ હાજર હતા. આ ઉપરાંત, ટ્રસ્ટ, સંઘ અને VHPના અધિકારીઓ પણ હાજર હતા. આ પહેલા, મુખ્યમંત્રીએ હનુમાનગઢીની મુલાકાત પણ લીધી હતી.
આ પ્રાણ પ્રતિષ્ઠાની મહત્વની વાત એ રહી છે કે સુરતના ઉદ્યોગપતિએ હીરા-સોના ચાંદીના આભૂષણોનું દાન કર્યું છે. આ આભૂષણોમાં ૧૧ મુગટ એક હજાર કેરેટના હીરા, ૩૦ કિલો ચાંદી, ૩૦૦૦ ગ્રામ સોનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચારેય ભાઈઓ માટે ગળાનો હાર, કાનના કુંડળ, કપાળનું તિલક, ધનુષ્ય બાણનું પણ દાન કરવામાં આવ્યું હતું. આ આભૂષણોને ચાર્ટડ પ્લેનથી લાવવામાં આવ્યા હતા.

