પીએમ મોદીએ કહ્યું હવે જ્યારે પણ પાકિસ્તાન ‘ ઓપરેશન સિંદૂર’નું નામ સાંભળશે , ત્યારે તેને ભારતની તાકાત યાદ આવશે. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે ભારત તેના ઘરમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરશે.
પીએમ મોદીએ ચેનાબ નદી પર વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ પર ત્રિરંગો ફરકાવ્યો, ત્યારે તે ફક્ત ઉદ્ઘાટન સમારોહ નહોતો. તે એક પ્રતીક હતું – ભારતની સાર્વભૌમત્વ, આત્મનિર્ભરતા અને વ્યૂહાત્મક શક્તિનું. ઉદ્ઘાટન સમારોહમાં, પ્રધાનમંત્રી મોદીએ તેને વિકાસ અને વિશ્વાસનું પ્રતીક ગણાવ્યું અને કહ્યું કે આ પુલ દેશની એકતા, પ્રગતિ અને સંકલ્પનું પ્રતીક છે.
“જમ્મુ અને કાશ્મીર ભારત માતાનો મુગટ છે. આ મુગટ સુંદર રત્નોથી જડિત છે. આ વિવિધ રત્નો જમ્મુ અને કાશ્મીરની તાકાત છે. આ રત્નો છે, અહીંની પ્રાચીન સંસ્કૃતિ, અહીંની પરંપરાઓ, અહીંની આધ્યાત્મિક ચેતના, પ્રકૃતિની સુંદરતા, અહીંની ઔષધિઓની દુનિયા, ફળો અને ફૂલોનો વિસ્તાર, અહીંના યુવાનોની કુશળતા.. જેને કારણે મુગટ ચમકે છે.
પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્રમાં ભાજપ સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થયા છે અને આ વર્ષો ગરીબ કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણ માટે સંપૂર્ણપણે સમર્પિત રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું, “વિકસિત ભારતનું સ્વપ્ન જેટલું મોટું છે તેટલું જ તે મજબૂત છે. આજનો કાર્યક્રમ ભારતની એકતા અને તેની અતૂટ ઇચ્છાશક્તિની એક વિશાળ ઉજવણી છે.” પીએમએ કહ્યું, “આજે ૪૬,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે તે જમ્મુ અને કાશ્મીરના વિકાસને નવી ગતિ આપશે.”
પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરતા , પીએમ મોદીએ પાકિસ્તાન પર સીધો હુમલો કર્યો. તેમણે કહ્યું કે આ હુમલા દ્વારા પાકિસ્તાને માત્ર માનવતા જ નહીં પરંતુ કાશ્મીરીયત પર પણ હુમલો કર્યો છે.પીએમ મોદીએ કહ્યું, “પાકિસ્તાનનો ઈરાદો ભારતમાં અશાંતિ ફેલાવવાનો અને રમખાણો ભડકાવવાનો હતો. તે દેશના પર્યટન ઉદ્યોગને નબળો પાડવા માંગે છે જેથી જમ્મુ અને કાશ્મીરના ગરીબ લોકોની આજીવિકા પ્રભાવિત થાય.”તેમણે કહ્યું કે આતંકવાદીઓએ આદિલ નામના એક સ્થાનિક વ્યક્તિને પણ મારી નાખ્યો, જે પોતાના પરિવાર માટે સખત મહેનત કરી રહ્યો હતો. આ સાબિતી છે કે આતંકવાદ ફક્ત નિર્દોષ લોકોને જ નિશાન બનાવે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે જમ્મુ અને કાશ્મીરના લોકો પાકિસ્તાનના આ કાવતરાઓ સામે એક થયા છે. તેમણે કહ્યું, “ખીણના લોકોએ આતંકવાદને યોગ્ય જવાબ આપવાનો સંકલ્પ કર્યો છે. એટલું જ નહીં, આતંકવાદીઓએ અહીં શાળાઓને પણ બાળી નાખી હતી, પરંતુ હવે જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ નફરતના એજન્ડાને સ્વીકારશે નહીં.”પીએમ મોદીએ એ પણ પુનરોચ્ચાર કર્યો કે તેમની સરકાર દરેક પ્રકારના આતંકવાદનો નિર્ણાયક જવાબ આપશે અને જમ્મુ અને કાશ્મીરને વિકાસ અને શાંતિની નવી ઊંચાઈઓ પર લઈ જશે.
પીએમ મોદીએ કહ્યું કે આજની તારીખ ૬ જૂન આપણને એ ઐતિહાસિક રાતની યાદ અપાવે છે જ્યારે ભારતે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરી હતી. તેમણે કહ્યું, “યાદ કરો કે ૬ મેની રાત્રે શું થયું હતું. હવે જ્યારે પણ પાકિસ્તાન ‘ ઓપરેશન સિંદૂર’નું નામ સાંભળશે , ત્યારે તેને ભારતની તાકાત યાદ આવશે. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે ભારત તેના ઘરમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરશે.” પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતના આ સર્જિકલ પ્રતિભાવથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું અને તેણે જમ્મુ ક્ષેત્રના સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા. તેમણે કહ્યું, “આખી દુનિયાએ જોયું કે પાકિસ્તાને મંદિરો, મસ્જિદો અને શાળાઓ પર કેવી રીતે ગોળીબાર કર્યો,”
તેમણે કહ્યું કે આ હુમલામાં જીવ ગુમાવનારાઓના પરિવારોને તાજેતરમાં સરકારી નોકરીઓ આપવામાં આવી છે. ઉપરાંત, જેમના ઘરો નાશ પામ્યા હતા તેમને આર્થિક મદદ પણ આપવામાં આવી છે. હવે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે આ અસરગ્રસ્ત પરિવારોને વધુ મદદ આપવામાં આવશે. જેમના ઘરોને આંશિક નુકસાન થયું છે તેમને એક લાખ રૂપિયા મળશે. જ્યારે, જે ઘરોને ગોળીબારથી ઘણું નુકસાન થયું છે તેમને બે લાખ રૂપિયા મળશે.