કેન્દ્ર સરકારે કોરોનાના દર્દીઓની સારવાર માટે કામમાં આવી રહેલી રેમડેસિવિર ઈન્જેક્શન (Remdesivir injection)અને તેના ડ્રગ્સની નિકાસ પર રોક લગાવી દીધી છે. કોરોના વાઈરસના સામાન્ય લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા વિસ્તારોમાં તેની કાળાબજારીના સમાચાર સામે આવી રહ્યા હતા. ત્યારે ભારત સરકારે રવિવારે ટ્વીટ કરી જાણકારી આપી છે કે રેમડેસિવીર ઈન્જેકશન અને તેના ઉત્પાદનમાં સહાયક ડ્રગ્સ રેમડેસિવિર ‘એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઈનગ્રેડિએન્ટસ’ની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ આદેશ દેશમાં કોવિડ-19ની સ્થિતિ સુધરવા સુધી લાગૂ રહેશે.
નિર્માતાઓને ઉત્પાદન વધારવાનો આદેશ
સરકારે કહ્યું કે આગામી દિવસોમાં દેશમાં રેમડેસિવીર ઈન્જેક્શનની માંગ વધવાની સંભાવના છે. ડ્રગ્સ વિભાગ આ ઈન્જેક્શનના ઘરેલુ નિર્માતાઓના સંપર્કમાં છે. તેમને ઉત્પાદન વધારવા માટે કહેવામાં આવ્યું છે. તેની સાથે જ કેન્દ્ર સરકારે દેશની તમામ રેમડેસિવીર નિર્માતા એકમોને કહ્યું કે તે પોતાની વેબસાઈટ પર પોતાના સ્ટોકિસ્ટો અને વિતરકોની જાણકારી આપો, જેથી દેશમાં તેનો સપ્લાય વધારી શકાય. ડ્રગ્સ ઈન્સ્પેક્ટરો અને અન્ય અધિકારીઓને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે સ્ટોકની તપાસ કરે અને કાળાબજારને રોકે.
રાજ્યભરમાં રેમડેસીવીર ઈન્જેક્શન મેળવવા માટે પડાપડી થઈ રહી છે. સુરત શહેરમાં હોસ્પિટલ બહાર લાંબી લાઈન બાદ આજે અમદાવાદ શહેરમાં થલતેજમાં આવેલી ઝાયડ્સ હોસ્પિટલમાં આજથી રેમડેસિવિર ઈન્જેક્શનનું વેચાણ શરૂ કરાયું છે. એવામાં હોસ્પિટલ બહાર વહેલી સવારથી જ રેમડેસીવીર ઈન્જેકશન મેળવવા માટે લોકો લાઈનમાં ઉભા રહી ગયા હતા. સવારે 6 વાગ્યાથી લોકો લાઈનમાં હતા.
હોસ્પિટલ બહાર 1 કિલોમીટરથી વધુ લાંબી લાઈન લાગી ગઈ હતી. હાલની સ્થિતિએ 700 લોકોને ટોકન આપવામાં આવ્યા છે. ટોકન આપવામાં આવશે તે મુજબ ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. ઈન્જેક્શન લેવા માટે વહેલી સવારથી તડકામાં ઊભેલા લોકોને રાહત માટે પોલીસ મદદે દોડી આવી હતી. કલાકોથી તડકામાં ઉભેલા લોકોને સોલા પોલીસે પાણીની બોટલનું વિતરણ કર્યું હતું.