રાજ્યમાં આગામી ૧૨ જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે, ત્યારે અમરેલી ખાંભા ગીર પંથક અને વડીયા સહિતના વિસ્તારોમાં આજે શુક્રવારે (૬ જૂન) વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો. ગરમીના માહોલ વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
અમરેલીના ખાંભા, ગીર પંથકના ગામડાઓમાં શુક્રવારે (૬ જૂન) ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખાંભા, ગીરના તાલડા, ખડાધાર, બોરાળા, ચકરાવાપરા સહિત ગામડાંઓમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, ખાંભા ગીર પંથકમાં ભીમ અગિયારસનું શુકન સાચવતો વરસાદ નોંધાયો છે.
જ્યારે અમરેલીના વડીયા સહિતના ગ્રામ્યમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેથી બપોરના સમય બાદ વરસાદનું આગમન થયું હતું. જેમાં વડીયાના તોરી, રામપુર, હનુમાન ખીજડિયા સહિતના સ્થળોએ વરસાદી માહોલ છવાયો હતો.
અમરેલીના ધારી પંથકમાં દલખાણીયા, ગીગાસણ બોરડી સહિતના ગામોમાં પવન સાથે વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર વરસાદી પાણી જોવા મળ્યા હતા. જેમાં બોરડી ગામમાં મુશળધાર વરસાદના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જ્યારે ખેતરોમાં પાણી ભરાયા હતા અને નાળા છલકાયા હતા.
રાજ્યમાં આગામી ૬ દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ૧૧ થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં આવતીકાલે શનિવારે (૭ જૂન) રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
૮ જૂનના રોજ રાજ્યના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરસ ભરૂચ, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 9 થી 12 જૂનના દરમિયાન અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
