અમદાવાદના ઘોડાસરમાં અસામાજિક તત્વોનો આતંક

કહેવાતા સુરક્ષિત ગુજરાત રાજ્યની દર બીજા દિવસે પોલ ખુલી રહી છે. રાજ્યના વિકસિત શહેર અમદાવાદમાં પણ જાણે કાયદો અને વ્યવસ્થા નેવે મૂકી હોય તેવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. ત્યારે અમદાવાદના ઘોડાસરમાં અસામાજિક તત્ત્વો બેફામ બની ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. ઘોડાસરમાં મોબાઇલની દુકાન ચલાવતા વેપારી પાસે ખંડણી માંગણી કરી ૧૫ થી વધુ શખ્સોએ લાકડી અને ધોકા વડે ઢોર માર્યો હોવાના સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 

અમદાવાદના ઘોડાસરમાં અસામાજિક તત્વોનો આતંક, ખંડણીને લઇને 15થી વધુ લોકો લાકડી-ધોકા લઇને તૂટી પડ્યા 1 - image

પ્રાપ્ત માહિતી અનુસાર ઘોડાસરના પુનિતનગર ક્રોસિંગ પાસે અસામાજિક તત્ત્વો દ્વારા ખુલ્લેઆમ દાદાગીરીના દ્વશ્યો સામે આવ્યા છે. ઘોડાસરમાં ધંધો કરવા માટે મોબાઇલની દુકાન ચલાવતા વેપારી પાસે ખંડણીની માંગણી કરવામાં આવી હતી. વેપારીએ આક્ષેપ કર્યો છે કે ખંડણી આપવાની ના પાડતાં ૧૫ થી વધુ શખ્સોએ વેપારીને લાકડી અને દંડા વડે હુમલો કરી ઢોર માર્યો હોવાની ઘટના સામે આવી છે. 

કમલેશ સામત નામના વેપારીને માર મારતાં ગંભીર ઇજાઓ પહોંચતાં ઇજાગ્રસ્ત વેપારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઇને વટવા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ અને તંત્ર કડક કાર્યવાહી કરવામાં આવતી હોવાછતાં અસામાજિક તત્ત્વો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. 

એકબાજુ સુરક્ષિત ગુજરાતના બણગાં ફૂંકવામાં આવે છે. ત્યાં બીજી બાજુ અસમાજિક તત્વો અને ચોર-લૂંટારાઓનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને જોતા સામાન્ય લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્ત્વનું છે કે, જે વિસ્તારમાં લૂંટ કરવામાં આવી તે અમદાવાદનો ભરચક વિસ્તાર છે. ત્યારે આ પ્રકારની ઘટના પોલીસ તંત્ર પર પણ મોટા સવાલ ઊભા કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *