લોસ એન્જલસમાં ટ્રમ્પની નવી ઇમિગ્રેશન નીતિ વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, જેના કારણે શહેરમાં પરિસ્થિતિ કાબૂથી બહાર થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વિરોધ કાબૂમાં લેવા માટે સેના તૈનાત કરવાની પણ ફરમાઈશ કરી છે
ટ્રમ્પ તંત્રએ ઇમિગ્રન્ટ્સને શાંતિથી નહીં રહેવા દેવાનું નક્કી કર્યું લાગે છે. લોસ એન્જલ્સમાં યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઇસીઇ) વિભાગે ચાર સ્થળોએ પાડેલા દરોડામાં ૪૪ ની ધરપકડ કરવામાં આવતા શહેરમાં તનાવગ્રસ્ત સ્થિતિ સર્જાઈ છે. આ કાર્યવાહીએ વ્યાપક પાયા પર વિરોધ પ્રદર્શનને જન્મ આપ્યો. તેથી દેખાવકારો અને લોસ એન્જલ્સ પોલીસે વિવિધ સ્થળોએ એકબીજા સાથે અથડામણમાં ઉતરી હતી. પોલીસે ભીડને વિખેરવા વિવિધ ભીડ નિયંત્રણ ઉપાયો અજમાવ્યા હતા. હવે આ મામલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૦૦ નેશનલ ગાર્ડ જવાનોને તહેનાત કરવાની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય બાદ દેખાવો વધુ હિંસક બને તેવી આશંકા છે.
હોમલેન્ડ સિક્યોરિટીઝ ઇન્વેસ્ટિગેશન્સની સૂચના મુજબ આઇસીઇએ લોસ એન્જલ્સમાં ચાર સર્ચ વોરંટ મુજબ કાર્યવાહી કરી. સત્તાવાર નિવેદનો મુજબ આ દરોડામાં ૪૪ ની ધરપકડ કરવામાં આવી. જ્યારે અન્ય એકની કામગીરીમાં અવરોધ સર્જવા માટે ધરપકડ કરવામાં આવી. આઇસીઈએ જણાવ્યું હતું કે તે રોજના લગભગ ૧૫૦૦ લોકોની ધરપકડ કરે છે.
જો કે ઇમિગ્રન્ટ્સ બચાવ જૂથોએ દાવો કર્યો છે કે ચાર નહીં સાત જુદા-જુદા સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમા વેસ્ટલેક જિલ્લામાં બે હોમ ડિપો સ્ટોર, ફેશન ડિસ્ટ્રિક્ટમાં એક કાપડના ગોદામ અને એક ડોનટની દુકાન સામેલ છે. આઇસીની પ્રવક્તા યાસ્મીન પિટ્સ ઓકીફે જણાવ્યું હતું કે આ કાર્યવાહી ગેરકાયદે ઇમિગ્રન્ટ પર અંકુશ લગાવવા કરવામાં આવી હતી. જો કે આ ઓપરેશનની વ્યાપક ટીકા થઈ, જેમા સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ તેને ક્રૂર અને બિનજરૂરી ગણાવી.
દરોડાના સમાચાર ફેલાતા જ કેટલાય દેખાવકારો અટકાયત કેન્દ્રો અને દરોડાના સ્થળોની બહાર એકત્રિત થઈ ગયા. વેસ્ટલેકમાં એક હોમ ડિપો સ્ટોરની બહારનું દ્રશ્ય વધારે તનાવગ્રસ્ત હતું. અહીં દેખાવકારોએ તેમને આઝાદ કરો અને તેમને રહેવા દોના નારા લગાવ્યા હતા. તેની સાથે અટકાયતમાં લેવાયેલા લોકોને લઈ જતી વેનને રોકવાનો પ્રયત્ન કર્યો.
આ બાબતે રાજકીય રંગ પણ પકડયો હતો. લોસ એન્જલ્સના મેયર કેરન બાસે આ ઘટનાની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની રણનીતિઓ સમુદાયોમાં ડર સર્જે છે અને શહેરની સલામતીના મૂળભૂત સિદ્ધાંતોને અવરોધે છે. હું આ ઘટનાથી નારાજ છું. મારી સરકાર આ પ્રકારની કાર્યવાહી સહન નહીં કરે. કેલિફોર્નિયાના ડેમોક્રેટિક સેનેટર એલેક્સ પેડિલાએ પણ આ ઓપરેશનને વધુ પડતુ અને ક્રૂર ગણાવી તેની આકરી ટીકા કરી હતી.