કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગયા વર્ષે મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિના આરોપોને ચૂંટણી પંચના સૂત્રો દ્વારા નકારવામાં આવ્યા બાદ આજે તેના પર પલટવાર કર્યો છે. આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘છુપાવવાથી તેની વિશ્વસનીયતા સુરક્ષિત નહીં રહે, પરંતુ સત્ય બોલવાથી બચશે.’
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક અખબારમાં લેખ લખીને આરોપ લગાવ્યો કે, ‘૨૦૨૪ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લોકશાહીમાં ધાંધલીનો બ્લુપ્રિન્ટ હતી. તેમણે દાવો કર્યો કે આ ‘મેચ ફિક્સિંગ’ હવે બિહારમાં પણ થશે અને પછી તે જગ્યાઓ પર પણ આવું જ કરવામાં આવશે, જ્યાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) હારી રહી હશે.’
ચૂંટણી પંચના સૂત્રોએ આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કરતા કર્યું કે, ‘આયોગને સીધો પત્ર લખવાને બદલે કોંગ્રેસ નેતા અખબારોમાં લેખો દ્વારા જવાબ શા માટે માંગી રહ્યા છે?’
ઇસીઆઈ ના એક પદાધિકારીએ કહ્યું, ‘આ ખૂબ જ વિચિત્ર વાત છે કે ગયા વર્ષે ૨૪ ડિસેમ્બરે આયોગ દ્વારા કોંગ્રેસને લખવામાં આવેલા વિસ્તૃત પત્ર છતાં રાહુલ ગાંધી વારંવાર પોતાની નિરાધાર શંકાઓના જવાબ માંગવા માટે મીડિયા સાથે વાત કરી રહ્યા છે અને લખી રહ્યા છે.’
તેમણે એ પણ જણાવ્યું કે, ચૂંટણી પંચે છ રાષ્ટ્રીય પાર્ટીઓ સાથે વાતચીત માટે તેમને અલગ-અલગ આમંત્રિત કર્યા હતા અને કોંગ્રેસ સિવાયની બાકી બધી પાર્ટીઓએ ચૂંટણી અધિકારીઓ સાથે મુલાકાત કરી. કોંગ્રેસે ચૂંટણી પંચ દ્વારા ૧૫ મેના રોજ પ્રસ્તાવિત બેઠક રદ કરી દીધી હતી.
અધિકારીએ વધુમાં કહ્યું કે, ‘આ સ્પષ્ટ નથી કે રાહુલ ગાંધી પોતે ચૂંટણી પંચને પત્ર લખીને જવાબ મેળવવાથી શા માટે કતરાઈ રહ્યા છે. તેમજ રાહુલ ગાંધીએ સૂત્રોના આધારે તેમના પ્રશ્નોના જવાબ આપવા માટે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે.’
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સમક્ષ માંગ કરતા ‘X’ પર કહ્યું, ‘પ્રિય ચૂંટણી પંચ, તમે એક બંધારણીય સંસ્થા છો. હસ્તાક્ષર વિના, (પ્રશ્નોના જવાબોને) છુપાવતી નોટ જાહેર કરવી, ગંભીર પ્રશ્નોના જવાબ આપવાનો રીત નથી. જો તમારી પાસે છુપાવવા માટે કંઈ નથી તો મારા લેખમાં આપેલા પ્રશ્નોના જવાબ આપો અને તેને સાબિત કરો, મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્યોની લોકસભા અને વિધાનસભાઓની તાજેતરમાં થયેલી ચૂંટણીઓ માટે સંકલિત, ડિજિટલ મતદાર યાદી પ્રકાશિત કરો અને મહારાષ્ટ્રના મતદાન કેન્દ્રોથી સાંજે પાંચ વાગ્યા પછીના તમામ સીસીટીવી ફૂટેજ જાહેર કરો.’