કેરળના દરિયા કિનારાથી દૂર સોમવારે સવારે સિંગાપુરના ધ્વજવાળું કન્ટેનર જહાજ એમવી વાન હૈ ૫૦૩ માં જોરદાર વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે.
મુંબઈ સ્થિત મરીન ઓપરેશન્સ સેન્ટર (એમઓસી) દ્વારા સવારે ૧૦:૩૦ વાગ્યે કોચી સ્થિત તેના અન્ય કેન્દ્રને આ માહિતી આપવામાં આવી હતી. જહાજ ૨૭૦ મીટર લાંબુ છે અને તેનો ડ્રાફ્ટ ૧૨.૫ મીટર હોવાનું કહેવામાં આવ્યું છે. આ જહાજ ૭ જૂનના રોજ કોલંબોથી રવાના થયું હતું અને ૧૦ જૂનને મુંબઈ પહોંચવાની આશા હતી.

સંરક્ષણ પીઆરઓના જણાવ્યા પ્રમાણે, પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભારતીય નૌકાદળે તાત્કાલિક પ્રતિક્રિયા આપી અને કોચી સ્થિત આઈએનએસ સુરત ને ઘટના સ્થળ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું છે, જેથી કરીને તાત્કાલિક જહાજને જરુરી સહાય મળી શકે. આ નિર્ણય વેસ્ટર્ન નેવલ કમાન્ડ દ્વારા સવારે ૧૧:૦૦ વાગ્યે લેવામાં આવ્યો હતો.
આ સાથે જ નૌસેના દ્વારા કોચીમાં આઈએનએસ ગરુડ નેવલ એર સ્ટેશનથી ડોર્નિયર વિમાન ઉડાનની પણ યોજના બનાવી રહ્યું છે, જે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે અને જરૂરી સંકલન પૂરું પાડશે. ભારતીય નૌસેના અને દરિયાઈ એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. બચાવ અને રાહત કાર્ય માટે પ્રયાસો ચાલુ કરી દેવાયા છે.
