ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના સંક્રમણે માથુ ઉચક્યું છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧૧૦૦ ને પાર પહોંચી છે. ત્યારે કોરોનાથી રાજકોટમાં પહેલું મૃત્યુ નોંધાયું છે. સોમવારે (નવમી જૂન) સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૫૫ વર્ષીય આધેડનું કોરોનાથી મોત નીપજ્યું હતું. છેલ્લા ચાર દિવસથી તેમનામાં કોરોનાના લક્ષણો હતા. આ ઉપરાંત મૃતકને ડાયાબિટિઝ સહિત અન્ય બીમારીઓ પણ હતી. નોંધનીય છે કે,રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો પહોંચ્યો ૧૦૦ ને પાર પહોંચ્યો છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૩૫ નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૧૦૯ પર પહોંચી ગઈ છે. જેમાંથી ૩૩ હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે ૧૦૭૬ દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય ૧૦૬ દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં સક્રિય કોવિડ-૧૯ દર્દીઓની સંખ્યા ૬,૪૯૧ પર પહોંચી ગઈ છે. સૌથી રાહતની વાત એ છે કે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કોઈ દર્દીનું મોત થયું નથી અને વધુ ૬૨૪ દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે.
અગાઉ રવિવારે છેલ્લા ૨૪ કલાકમાં ૬ દર્દીના મોત થયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી દેશમાં કોરોનાના કારણે ૬૫ લોકો મોત થયા છે. ૨૨ મે સુધી દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ૨૫૭ હતી. વર્ષ ૨૦૨૫ માં અત્યાર સુધીમાં ડેટાની વાત કરીએ તો, આ વર્ષે કુલ ૬૪૯૧ એક્ટિવ કેસ નોંધાયેલા છે, જ્યારે ૬૮૬૧ દર્દીઓ સજા પણ થયા છે. આ ઉપરાંત કોરોના સંક્રમિત કુલ ૬૫ લોકોએ જીવ ગુમાવ્યો છે.