વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે તેમના સત્તાવાર આવાસ, ૭ લોક કલ્યાણ માર્ગ પર સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મુલાકાત કરશે. સૂત્રોના અનુસાર, ડેલિગેશનના સભ્યો માટે કોવિડ-૧૯ ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે. આ પગલું સુરક્ષા પ્રોટોકોલ હેઠળ લેવાયું છે. મળતી માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી મંગળવાર સાંજે ૦૭:૩૦ વાગ્યે તે ડેલિગેશન લીડર્સ સાથે મુલાકાત કરશે, જેઓ ઓપરેશન સિંદૂર હેઠળ વિદેશોમાં ભારતનો સંદેશ લઈને ગયા હતા. આ દરમિયાન વડાપ્રધાન ડેલિગેશનના અનુભવ અને ફીડબેક લેશે, આ સિવાય વડાપ્રધાન મોદી તમામ સાંસદો માટે ડિનરનું પણ આયોજન કરશે.
આ પ્રતિનિધિમંડળને ખાસ કરીને પાકિસ્તાનમાં હાજર આતંકવાદને લઈને દુનિયાની સામે ઉઘાડું પાડવાનો ટાસ્ક અપાયો હતો. સાત મુખ્ય સાંસદોને ટીમ લીડનો ટાસ્ક અપાયો હતો. ૫૦ થી વધુ સભ્યો વાળા ૭ પ્રતિનિધિમંડળનો ઉદ્દેશ્ય પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ભારતના આકરા વલણને વ્યક્ત કરવાનો હતો. જેમાં શશિ થરુર (કોંગ્રેસ), રવિશંકર પ્રસાદ (ભાજપ), સંજય કુમાર ઝા (જેડીયુ), બૈજયંત પાંડા(ભાજપ), કનિમોજી કરુણાનિધિ (ડીએમકે), સુપ્રિયા સૂલે (એનસીપી-એસપી) અને શિવસેનાના શ્રીકાંત શિંદે સામેલ હતા. આ સિવાય તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી પણ વડાપ્રધાન મોદી સાથેની હાઇલેવલની બેઠકમાં સામેલ થશે. તેઓ પણ પ્રતિનિધિમંડળનો ભાગ હતા.