નેપાળથી ગોરખપુર જઈ રહેલી એક કાર ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૪ પરથી પસાર થઇ રહી હતી ત્યારે નિર્માણાધીન ફ્લાયઓવરની કિનારે હવામાં લટકી ગઇ હતી.
નેપાળથી ગોરખપુર જઈ રહેલી એક કાર રવિવારે મોડી રાત્રે એક અકસ્માત માંથી માંડ માંડ બચી ગઈ હતી. ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, કાર ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૪ પરથી પસાર થઇ રહી હતી ત્યારે નિર્માણાધીન ફ્લાયઓવરની કિનારે હવામાં લટકી ગઇ હતી. સદનસીબે, આ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થયું નથી. કારમાં સવાર તમામ લોકો સહીસલામત બહાર નીકળી ગયા હતા.
કાર ચાલકે ગૂગલ મેપ્સ પરથી રસ્તો જોયો હતો અને મેપ્સમાં ઘટના સ્થળ પર ફ્લાયઓવરના કોઈ સંકેત આપવામાં આવ્યા ન હતા. ભારત અને નેપાળને ગોરખપુર-સોનૌલી રોડ સાથે જોડતા આ હાઇવે પર હાલ ભૈયા, ફરેન્દા પાસે ફ્લાયઓવર નિર્માણ સહિતના વિકાસના કામો ચાલી રહ્યા છે.
આ દુર્ઘટના રાતે લગભગ ૦૧:૦૦ વાગે આસપાસ બની હતી, જ્યારે સોનૌલીથી ગોરખપુર જઈ રહેલી એક કાર અંધારામાં અધૂરા ફ્લાયઓવર પર પહોંચી ગઇ હતી. ફ્લાયઓવર અચાનક તૂટી પડતાં ડ્રાઇવરે સમયસર બ્રેક લગાવી દીધી હતી, જેના કારણે કાર નીચે પડતા બચી ગઇ હતી. જો કે, કાર નિર્માણાધીન ફ્લાયઓવરની બાજુમાંથી લટકી રહી હતી.
બુમાબુમ સાંભળી આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા અને જોયું તો ફ્લાયઓવરના કિનારે ગાડી હવામાં લટકી રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, કારમાં સવાર લોકો સુરક્ષિત રહ્યા અને ઘણી મહેનત બાદ કાર માંથી બહાર નીકળવામાં સફળ રહ્યા.