દુનિયાના બધા દેશો મળીને વિશ્વની કુલ વસ્તી ૮ અબજથી વધુ થઇ ગઈ છે, જે સતત વધી રહી છે. અમેરિકાની થીંક ટેંક પ્યુ રિસર્ચ સેન્ટર એ છેલ્લા દાયકામાં થયેલા વસ્તી વધારા વિષે એક રસપ્રદ અહેવાલ બહાર પાડ્યો છે. અહેવાલ મુજબ ગત દાયકામાં, વિશ્વમાં મુસ્લિમ ધર્મ અનુસરતાં લોકોની સંખ્યામાં સૌથી વધુ વધી છે. અહેવાલ મુજબ, વર્ષ ૨૦૧૦ થી ૨૦૨૦ ની વચ્ચે, મુસ્લિમોની વસ્તીમાં ૩૪.૭ કરોડનો વધારો નોંધાયો હતો, જ્યારે ભારતમાં મુસ્લિમોની વસ્તીમાં ૩.૫૬ કરોડનો વધારો થયો હતો.
પ્યુ રિસર્ચ સેન્ટર જણાવ્યા મુજબ આ અહેવાલ તૈયાર કરવા માટે ૨,૭૦૦ થી વધુ વસ્તી ગણતરીઓ અને સર્વેક્ષણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ મુજબ, વિશ્વભરમાં મુસ્લિમોની વસ્તી લગભગ ૨ અબજ સુધી પહોંચી ગઈ છે, ખ્રિસ્તીઓ પછી મુસ્લિમ સમુદાય વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું ધાર્મિક જૂથ છે.
વિવિધ ધર્મ પાડતાં લોકોની વસ્તી:
૧૨૨ મિલિયનના વધારા સાથે વિશ્વમાં ખ્રિસ્તીઓની સંખ્યા ૨.૧૮ અબજથી વધીને ૨.૩૦ અબજ થઇ છે, પરંતુ વૈશ્વની વસ્તીમાં ખ્રિસ્તીઓનો હિસ્સો ૩૦.૬ % થી ઘટીને ૨૮.૮% થયો. અહેવાલ મુજબ, ૨૦૨૦ સુધીમાં ૧૨૦ દેશો અને પ્રદેશોમાં ખ્રિસ્તીઓ બહુમતીમાં છે.
વિશ્વની વસ્તીમાં મુસ્લિમોનો હિસ્સો ૧.૮ % વધીને ૨૫.૬ % થયો છે. જ્યારે કોઈપણ ધર્મમાં ન માનનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે, વિશ્વમાં નાસ્તિકોનો સંખ્યા વિશ્વની કુલ વસ્તીની ૨૪.૨ % થઈ ગઈ છે. ખ્રિસ્તીઓ અને મુસ્લિમો બાદ હવે વિશ્વમાં નાસ્તિકો ત્રીજો સાથી મોટો વર્ગ છે.
વિશ્વમાં વર્ષ ૨૦૧૦ માં હિન્દુઓની વસ્તી ૧.૧ અબજ હતી જે વર્ષ ૨૦૨૦ માં વધીને ૧.૨ અબજ થઈ ગઈ. બિન-હિંદુઓની સંખ્યા લગભગ સમાન દરે વધતી હોવાથી, વૈશ્વિક વસ્તીના હિસ્સામાં હિન્દુઓની સંખ્યા સ્થિર રહી.બૌદ્ધ ધર્મને છોડીને વિશ્વના દરેક ધાર્મિક સમુદાયની વસ્તીમાં વધારો થયો છે. બૌદ્ધોની સંખ્યા ૧૯ મિલિયન ઘટીને ૩૨૪ મિલિયન થઈ ગઈ છે
ભારતમાં વસ્તી:
રિપોર્ટના અંદાજ મુજબ, ભારતની વસ્તી ૨૦૫૦ સુધીમાં ૧૬૬ કરોડ સુધી પહોંચી શકે છે, જેમાં હિન્દુઓની વસ્તી ૧૩૦ કરોડ હોવાનો અંદાજ છે. વર્ષ ૨૦૧૦ માં ભારતમાં હિન્દુઓની વસ્તી દેશની કુલ વસ્તીના ૮૦ % હતી, જે ૨૦૨૦ માં ૭૯.૪ % થઈ ગઈ છે. વર્ષ ૨૦૧૦ માં મુસ્લિમોની વસ્તી ૧૪.૩ % હતી, જે ૨૦૨૦ માં વધીને ૧૫.૨ % થઈ ગઈ છે. ભારતની વસ્તીમાં ખ્રિસ્તીઓના ટકાવારી પ્રમાણે હિસ્સામાં ઘટાડો નોંધાયો છે, જે વર્ષ ૨૦૧૦ માં ૨.૩ %થી ઘટીને ૨.૨ % થઈ ગઈ છે. અન્ય ધર્મોનો ટકાવારી હિસ્સો ૨.૭ % થી ઘટીને ૨.૫ % થયો હતો.

ઉત્તર અમેરિકામાં મુસ્લિમોની સંખ્યા ઝડપથી વધી:
અહેવાલ મુજબ નાની ઉંમરમાં લગ્ન કરવાની વલણને કારણે મુસ્લિમોની વસ્તીમાં વધારો થઇ રહ્યો છે. ૨૦૧૦ થી ૨૦૨૦ દરમિયાન ઉત્તર અમેરિકા ખંડમાં મુસ્લિમોની વસ્તીમાં સૌથી વધુ ૫૨ ટકાનો વધારો નોંધાયો હતો. અહીં મુસ્લિમોની કુલ વસ્તી ૫૯ લાખ છે. ધર્માંતરણ, શરણાર્થીઓના સ્થળાંતર અને કુદરતી વસ્તી વૃદ્ધિને કારણે અહીં ઇસ્લામ ઝડપથી ફેલાયો છે.
વિશ્વના કુલ ખ્રિસ્તીઓમાંથી ૩૧ % આફ્રિકામાં વસે છે, આ સંખ્યા ૨૦૧૯ માં ૨૪.૮ % હતી. આફ્રિકામાં ખ્રિસ્તીની સંખ્યા યુરોપની સરખામણીમાં ઝડપથી વધી રહી છે.