ઈન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં પત્ની સોનમ રઘુવંશીએ હત્યાના કાવતરામાં સામેલ હોવાની કબૂલાત કરી છે. સદર પોલીસ સ્ટેશનમાં એસઆઈટી પૂછપરછ દરમિયાન સોનમે કબૂલ્યું કે, ‘હું રાજાની હત્યાના પ્લાનિંગમાં સામેલ હતી.’ ત્યારે સોનમનો ભાઈ ગોવિંદ બુધવારે (૧૧મી જૂન) મૃતક રાજા રઘુવંશીના ઘરે પહોંચ્યો હતો અને રાજા માતા ઉમા રઘુવંશીને મળ્યો. આ મુલાકાત દરમિયાન, ગોવિંદે રાજાની માતાને ગળે લગાવી અને ખૂબ રડ્યો અને કહ્યું કે, ‘મારી બહેને મોટી ભૂલ કરી છે, તેને સજા-એ-મોત થવી જોઈએ.’
સોનમના ભાઈ ગોવિંદે કહ્યું કે, ‘રાજ કુશવાહાાને મારી બહેન સાથે કોઈ અફેર નહોતું. મારી બહેન રાજને રાખડી બાંધતી હતી. રાજ મારી સાથે ત્રણ વર્ષથી કામ કરતો હતો. મને ખબર નથી કે રાજાની હત્યા કેમ અને કેવી રીતે થઈ? જો મારી બહેને મોટી ભૂલ કરી છે, તેને સજા-એ-મોત થવી જોઈએ. હું મેઘાલય ગયો હતો, હું હમણાં જ ત્યાંથી પાછો ફર્યો છું. ઉત્તર પ્રદેશ પોલીસે મને સોનમને મળવા દીધો નહીં.’
આ વિશે વધુ વાત કરતા ગોવિંદે કહ્યું હતું કે, ‘રાજા અને સોનમના લગ્ન માટે શુભ મુહૂર્તમાં પંડિત દ્વારા ૧૧ મી મેના રોજ નક્કી કરવામાં આવ્યો હતો. આ લગ્ન કોઈના દબાણ હેઠળ થયા ન હતા. બંને પરિવારો રાજા અને સોનમના લગ્ન માટે સંમત થયા હતા.’
શિલોંગ પોલીસે સોનમની પૂછપરછ કરી હતી. આ દરમિયાન રાજા રઘુવંશી હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ અને સોનમનો પ્રેમી રાજ કુશવાહાા પણ હાજર હતો. જ્યારે શિલોંગ પોલીસે સોનમને રાજા વિષે પૂછ્યું તો તેણે પહેલા તો પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. પરંતુ બાદમાં પોલીસ દ્વારા કડક પૂછપરછ કરતા તેણે રડતાં રડતાં કબૂલાત કરી કે, ‘હા, હું રાજાની હત્યાના પ્લાનિંગમાં સામેલ હતી.’ આ સાથે, ખાસ વાત એ સામે આવી કે શિલોંગ પોલીસે સોનમ રઘુવંશીને તેના પ્રેમી રાજ કુશવાહા સાથે આમને-સામને મુલાકાત પણ કરાવી.
રાજા રઘુવંશી હત્યા કેસમાં તેની પત્ની સોનમ, રાજ કુશવાહા (સોનમનો પ્રેમી) અને ત્રણ કોન્ટ્રાક્ટ કિલર આનંદ, આકાશ રાજપૂત અને વિશાલ ઉર્ફે વિકી ઠાકુરનો સમાવેશ થાય છે. સોનમની ગાઝીપુરથી ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુશવાહા અને વિશાલની ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આકાશ રાજપૂતની મધ્ય પ્રદેશના સાગરથી અને આનંદની યુપીના લલિતપુરથી ધરપકડ કરવામાં આવી હતી.
ઈન્દોરના રહેવાસી રાજા રઘુવંશીએ હત્યાના ૧૨ દિવસ પહેલા સોનમ સાથે લગ્ન કર્યા હતા. તે અને સોનમ હનીમૂન માટે મેઘાલય ગયા હતા. ત્યારબાદ ૨૩ મી મેના રોજ રાજા મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તારમાં હતો, જ્યાંથી તે ગાયબ થઈ ગયો હતો. જે પછી બીજી જૂનના રોજ રાજાનો મૃતદેહ ખીણમાંથી મળી આવ્યો હતો.