અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે ૦૧;૩૮ વાગે ટેક ઑફ થયું હતું અને ૦૧:૪૦ વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.
ગુરુવારે સાંજ સુધીમાં ૨૦૪ જેટલા મુસાફરોના મૃતદેહ મળી આવ્યા હતા. હજુ પણ ઘટનાસ્થળ પર કાર્યવાહી ચાલી રહી છે.
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ ટાટા ગ્રુપ દ્વારા મૃતકોના પરિજનો માટે એક એક કરોડ રૂપિયાનું આર્થિક વળતર આપવાની જાહેરાત કરી છે. આટલું જ નહીં ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ પણ ટાટા ગ્રુપ ઉઠાવશે તથા બી જે મેડિકલની નવી હોસ્ટેલ બનાવવામાં પણ મદદ કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઘટનાસ્થળે પહોંચી વિમાન દુર્ઘટનાની સમીક્ષા કરી હતી. ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. દુર્ઘટનાસ્થળ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા.



બ્રિટિશ રાજા ચાર્લ્સ IIIએ અમદાવાદ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે અને તેમના પત્નિ રાણી કેમિલાએ આજે બપોરે અમદાવાદમાં બનેલી હૃદયદ્રાવક ઘટના પર શોક વ્યક્ત કરતાં કહ્યું છે કે, “આ ભયાવહ દુ:ખદ ઘટનાથી પ્રભાવિત થયેલા તમામ લોકોના પરિવારો અને મિત્રો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ દુખઃદ કપરાં સમયમાં બચાવ કામગીરી અને મદદ પૂરી પાડી રહેલા લોકોના પ્રયાસોને બિરદાવુ છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પુ છું.
એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સન દિલ્હીથી પેરિસ જઈ રહેલી ફ્લાઈટમાં સવાર હતાં. જે અમદાવાદ વિમાન દુર્ઘટનાની માહિતી મળતાં જ પરત આવી રહ્યા છે. તેઓ અમદાવાદ આવવા રવાના થયા છે. એર ઈનડિયાએ આ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોના પરિવારજનોની સહાયતા માટે ખાસ હેલ્પલાઈન નંબર ૧૮૦૦૫૬૯૧૪૪૪ જાહેર કર્યો છે. વિદેશી નાગરિકો માટે અલગથી હેલ્પલાઈન નંબર +૯૧ ૮૦૬૨૭૭૯૨૦૦ જાહેર કર્યો છે. જેના પરથી પીડિત મુસાફરોની માહિતી મેળવી શકાશે.
અમદાવાદ પોલીસે ૨૫ ઈજાગ્રસ્તોની યાદી જાહેર કરી છે. ગુજરાત આરોગ્ય અને જન કલ્યાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ધનંજય દ્રિવેદીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્ટિલના વિદ્યાર્થીઓની હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર્સ અને અન્ય રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયુ હતું. અત્યારસુધી ૫૦ જેટલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામની સારવાર થઈ રહી છે. હોસ્ટેલમાં રહેતા અનેક લોકોએ પણ જીવ ગુમાવ્યા છે. ત્યાં રહેતાં લોકો પણ ઘવાયા છે. આશરે ૫૦ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્ટિપલ ખસેડવામાં આવ્યા છે. તેમને સંભવિત તમામ સારવાર અપાઈ રહી છે. તેમની સ્થિતિ ગંભીર છે. બીજે મેડિકલ કોલેજ ખાતે ડીએનએ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિમાનમાં સવાર લોકોના વાલીઓ અને બાળકોને ડીએનએ સેમ્પલ આપવા અપીલ છે. જેથી મૃતકોની ઓળખ થઈ શકે. સિવિલ હોસ્પિટલ અમદાવાદે હેલ્પલાઈન નંબર ૬૩૫૭૩૭૩૮૩૧ અને ૬૩૫૭૩૭૩૮૪૧ જાહેર કર્યો છે. પરિજનો તેનો સંપર્ક સાધી પીડિતો વિશે માહિતી મેળવી શકે છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત કાર્ગો મોટર્સના ગ્રૂપ ફાઉન્ડર પ્રમુખ નંદા, અને તેમનો પરિવાર પણ આ એર ઈન્ડિયા ફ્લાઈટમાં સવાર હતો. તેમના પત્ની નેહા પ્રમુખ નંદા અને પુત્ર પ્રયાસ પ્રમુખ નંદા ફ્લાઈટમાં સવાર હતાં. આ સિવાય લુબીના ડિરેક્ટર સુભાષચંદ્ર અમીન પણ હતાં.
૦૧:૪૦ વાગ્યે બનેલી આ ભયાવહ દુર્ઘટનાની બચાવ કામગીરી હજુ ચાલુ છે. એનડીઆરએફ, બીએસએફ સહિતની સુરક્ષા ટુકડી અને ૪૦ થી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે તૈનાત છે. તમામ ડોક્ટર અને મેડિકલ સ્ટાફ સતત સેવામાં હાજર છે. સંભવિત તમામ બચાવ કામગીરી ચાલી રહી છે.
રશિયાના પ્રમુખ પુતિને પણ અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મૂને સંવેદના સંદેશ પાઠવી દુઃખ વ્યક્ત કર્યુ હતું. આ હ્યદયદ્રાવક દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં પુતિને કહ્યું કે, રશિયા આ કપરાં સમયમાં ભારતની સાથે છે અને દુર્ઘટનામાં ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેના માટે પ્રાર્થના કરુ છું.
અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ થોડા સમય માટે એરપોર્ટની કાર્યવાહી અટકાવાયા બાદ ફરી એકવાર ફ્લાઈટોનું સંચાલન શરૂ કરાયાની માહિતી મળી રહી છે.
વિમાનનો કાટમાળ ૩૦૦ થી ૪૦૦ ફૂટ દૂર સુધી ઉછળીને પડ્યો હતો એટલે હોસ્ટેલ બિલ્ડિંગથી એફએસએલની બિલ્ડિંગ સુધી વિમાનનો કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. દુર્ઘટનામાં હોસ્ટેલની કુલ ૪ બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી હતી. જેમાં તબીબો અને તેમના પરિવારજનો રહેતા હતા, જેથી તેમના મોતનો આંક વધી શકે છે.
અતુલ્યમ ૧, ૨, ૩ અને ૪ બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટના સ્થળ પર ડીજીપી, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, ફોરેન્સિંક એક્સપર્ટની ટીમ પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે.
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ સમયે ક્રેશ થવા પાછળના પ્રાથમિક કારણો અને દુર્ઘટનાક્રમ અંગે વધુ વિગતો સામે આવી છે. ટેકઓફ થયા બાદ પ્લેનના ટાયર ઈન્સર્ટ ન થતા (અંદર ન જતા) આ દુર્ઘટના સર્જાઈ હતી. વિમાન સૌપ્રથમ એક એવી બિલ્ડિંગ સાથે અથડાયું હતું જ્યાં મેસ (ભોજનાલય) ચાલતી હતી.
અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. વિશ્વ સમાચાર મૃતકોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.
*સાથે જ, પોતાના પરિવારજનોને ગુમાવનાર પરિવારોને ભગવાન ‘ શક્તિ અને ધૈર્ય ‘ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના *🙏