
વડોદરા માં કોરોના મહામારીમાં રેમડેસિવિર ઇન્જેક્શન ની કાળાબજારી કરી લાખો રૂપિયાની કમાણી કરવાના કૌભાંડ માં ચોંકાવનારા ખુલાસા થયા છે. પીસીબી પોલીસે ઇન્જેક્શનની કાળાબજારી કરતાં ડોકટર અને મેલ નર્સની ધરપકડ કરી હતી. જેમને પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
પીસીબી પોલીસે રેમડેસિવિર ઇન્જેક્શન ની કાળાબજારી કરી બેફામ લૂંટફાટ ચલાવતાં ડો. ધીરેન નાગોરા તથા મુસ્લિમ મેડિકલ સેન્ટરના નર્સ રાહુલ વાળંદને બે દિવસ પહેલા ઝડપી પાડયા હતા. ઇન્જેક્શનની મૂળ કિંમત 2500 હતી જેની સામે આરોપી ડો ધીરેને બ્લેકમાં 7500 જ્યારે આરોપી રાહુલે 5400ની કિંમતના ઇન્જેક્શનના 9 હજાર રૂપિયા પડાવ્યા હતા.
આરોપી ડો ધીરેને પોલીસ પૂછપરછમાં મિત્ર જીગ્નેશ પટેલ મારફતે કૃણાલ પટેલ નામના શખ્સ પાસેથી 5 હજારમાં ઇન્જેક્શન લીધું હોવાની કબૂલાત કરી.જેના આધારે પોલીસે આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેની શ્રીજી હોસ્પિટલમાં નોકરી કરતાં કૃણાલ પટેલને પણ ઝડપી પાડયો છે.
ડો ધીરેનપાસેથી એક્સપોર્ટ ક્વોલિટીનું ઇન્જેક્શન મળ્યું, જે ભારતમાં છે પ્રતિબંધિત
પી સી બી પીઆઈ જે જે પટેલે કહ્યું કે આરોપી ડો ધીરેન નાગોરા પાસેથી મળેલું અવંતિકા કંપનીનું ઇન્જેક્શન એક્સપોર્ટ ક્વોલિટીનું છે, આ ઇન્જેક્શન તેને કૃણાલ પટેલે આપ્યુ હતું. દેશમાં આ ઇન્જેક્શન વેચાણ ન કરી શકાય તેમ હોવા છતાં કૃણાલ પાસે કેવી રીતે પહોચ્યું? તેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પી સી બી પોલીસ તપાસ કરે તે પહેલા જ પોલીસ કમિશ્નરે તપાસ એસઓજી પોલીસને સોંપી દીધી.