સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તેમજ અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતને પણ ચોમાસુ ઘમરોળે તેવી હવામાન વિભાગની આગાહી સામે આવી છે.
ગુજરાતમાં હવે મેઘાએ મંડાણ કર્યા છે. ત્યારે ચોમાસાની સિઝન પણ વિધિવત શરૂ થવા જઈ રહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૧૫ અને ૧૬ જૂને ચોમાસુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી આવશે અને ૧૭ મીએ અમદાવાદ તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદ થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ દિવસોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર પણ કરવામાં આવ્યું છે.
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
૧૬ મી જૂને સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. એવી જ રીતે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવને કવર કરી લે તેવી સંભાવના છે.

આ જિલ્લાઓમાં પણ વરસાદ ખાબકશે
૧૭ મી જૂને અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. ૧૮ અને ૧૯ મી જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ પાણીથી તરબતર થાય તેવું લાગી રહ્યું છે.
