ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને આખી દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે. ઈઝરાયલનો દાવો છે કે તેમનું આ પગલું વિશ્વના અસ્તિત્વને બચાવવા માટે છે. ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની નજીક છે અને તેને રોકવું પડશે. અમેરિકા, ફ્રાન્સ, યુકે, જર્મની અને ઈટાલી જેવા દેશો ખુલ્લેઆમ ઈઝરાયલની કાર્યવાહીને સમર્થન આપી રહ્યા છે, જ્યારે ચીન, યમન અને ઈરાક તેની વિરુદ્ધમાં છે. જો કે, ભારતે આ તણાવ ઘટાડવા માટે વાતચીત અને રાજદ્વારી પ્રયાસોનો આગ્રહ કર્યો છે.
ભારતે ઈરાન પર તાજેતરના ઈઝરાયલી હુમલાઓની નિંદા કરતા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના (એસસીઓ) નિવેદનને ટેકો ન આપ્યો.વિદેશ મંત્રાલય એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે ઈરાની સમકક્ષ સાથે તણાવ બાબતે ચર્ચા કરી હતી અને આ ઘટનાક્રમ પર આંતરરાષ્ટ્રીય સમુદાયની ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના (એસસીઓ)એ ૧૩ મી જૂને ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના તાજેતરના વિકાસ પર એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં તેમણે ઈરાન પરના હુમલા માટે ઈઝરાયલની ટીકા કરી હતી. અમે આગ્રહ કરીએ છીએ કે તણાવ ઘટાડવા માટે વાતચીત અને રાજદ્વારી માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે. ભારતનું વલણ અન્ય શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્યો સુધી પહોંચાડવામાં આવ્યું છે.

૧૩ મી જૂનની રાત્રે ઈઝરાયલે ઈરાન પર મોટા હવાઈ હુમલા કર્યા હતા. જેને ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ નામ આપવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ઈરાનના પરમાણુ અને લશ્કરી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં નતાન્ઝ જેવા સંવેદનશીલ પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. આ હુમલાઓમાં ઘણાં ઈરાની લશ્કરી અધિકારીઓ અને વૈજ્ઞાનિકો માર્યા ગયા હતા, જ્યારે બદલામાં ઈરાને લગભગ ૨૦૦ બેલિસ્ટિક મિસાઈલો છોડીને ઈઝરાયલી લક્ષ્યો પર બદલો લીધો હતો.
ઈરાની મીડિયા અનુસાર, ઈઝરાયલી રહેણાંક વિસ્તાર પર થયેલા હુમલામાં ૬૦ લોકો માર્યા ગયા હતા, જેમાં ૨૦ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્રને ઇઝરાયલી હુમલામાં ૭૮ લોકોના મોતની પુષ્ટિ કરી હતી.