વર્તમાનસમયમાં ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભારેલા યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે આ યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી હુસેની ખામેનેઈ ની હત્યા કરવાનું ષડયંત્ર રચાયું હોય તેવો રિપોર્ટ સામે આવ્યો છે. ઈરાઝયેલે ખામેનેઈની હત્યા કરવાની યોજના ઘડી હોવાનું સામે આવ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યોજના પર રોક લગાવી દીધી હોવાની વાત પણ સામે આવી છે. સમાચાર એજન્સી રૉયટર્સના રિપોર્ટ મુજબ, એક વરિષ્ઠ અમેરિકન અધિકારીઓ કહ્યું કે, ‘શું ઈરાનીયોએ અત્યાર સુધીમાં કોઈ અમેરિકનોને માર્યા છે? નહીં… તો પછી જ્યાં સુધી આવું ન થાય, ત્યાં સુધી આપણે ઈરાનના રાજકીય નેતૃત્વને નિશાન બનાવવાની વાત પણ નહીં કરીએ.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ને પૂછવામાં આવ્યું તો તેમણે ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે અને કહ્યું કે, હું આ મામલે કંઈપણ નહીં કરું. બીજીતરફ ફોક્સ ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યૂમાં નેતન્યાહૂએ સંકેત આપ્યો છે કે, ઈરાનમાં સત્તા પરિવર્તન થવાનું સંભવ છે. તેમણે એમ પણ કહ્યું કે, હુમલા પહેલા ટ્રમ્પને સૂચના આપવામાં આવી હતી.
ટ્રમ્પ ડબલ ગેમ રમી રહ્યા હોય તેમ એકતરફ ઈરાનને ચેતવણી આપી છે, તો બીજીતરફ રાજદ્વારીનો પણ દરવાજો ખુલ્લો રાખ્યો છે. તેમણે ટ્રુ સોશિયલ પર લખ્યું છે કે, જો અમારા પર કોઈપણ પ્રકારનો હુમલો થશો તો અમેરિકન સેના સંપૂર્ણ તાકાત અને શક્તિ સાથે ઈરાનની સ્થિતિ બગાડી નાખશે, જે પહેલા ક્યારેય જોયું નહીં હોય. ત્યારબાદ ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે, ઈરાન-ઈઝરાયલ વચ્ચે શાંતિ સમજૂતી સંભવ છે. તેમણે કહ્યું કે, આપણે આ સમજૂતી પર સરળતાથી પહોંચી શકીએ છીએ અને આ ખૂની ખેલને ખતમ કરી શકીએ છીએ.
ટ્રમ્પે દાવો કર્યો છે કે, તેમણે તેમના પ્રથમ કાર્યકાળમાં સર્બિયા અને કોસોવા વચ્ચેના ઝઘડાને, ત્યારબાદ બીજા કાર્યકાળમાં ભારત અને પાકિસ્તાનના ઝઘડાને ખતમ કરવા માટે સફળતાપૂર્વક હસ્તક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘આવી જ રીતે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે પણ ટૂંક સમયમાં શાંતિ સ્થપાશે. આ માટે અનેક ફોનકૉલ અને બેઠકો થઈ રહી છે.’
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘હું ઘણું બધુ કરું છું, પરંતુ હું ક્યારેય કોઈપણ બાબતો શ્રેય લેતો નથી, આ ઠીક છે અને લોકો સમજે છે. અમે મધ્ય-પૂર્વને ફરી મહાન બનાવીશું.’ ઉલ્લેખનીય છે કે, ઈરાને અમેરિકા સાથે પરમાણુ સોદા પર વાતચીત રદ કર્યા બાદ ઈઝરાયલ ઈરાન પર આકરા હુમલાઓ કરી રહ્યું છે. તો ઈરાન પણ મિસાઈલ અને ડ્રોનથી ઈઝરાયલને નિશાન બનાવી રહ્યું છે. આ વિવાદની શરૂઆત ‘અમેરિકા-ઈરાન વચ્ચે પરમાણુ ડીલ રદ કરવાની ઘટના’થી શરૂ થઈ છે. આ ઉપરાંત ઈઝરાયલને ઈરાનના પરમાણુ કાર્યક્રમથી વાંધો પડ્યો છે, જેના કારણે બંને દેશો એકબીજા પર હુમલા કરી રહ્યા છે. બીજીતરફ બંને દેશોની પરિસ્થિતિ પર નજર રાખવા જગત જમાદાર અમેરિકાએ તેના બે યુદ્ધ જહાજો મધ્ય-પૂર્વમાં ખસેડ્યા છે. આ તમામ ઘટનાક્રમ બાધ મધ્ય-પૂર્વમાં યુદ્ધની આશંકા વધી ગઈ છે.
ઈઝરાયલે શુક્રવારે ઈરાન પર અનેક મિસાઈલ હુમલા કર્યા હતા, જેમાં ઈરાનના ટોચના કમાન્ડો સહિત ૧૦૦ થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારબાદ બંને દેશો વચ્ચે હુમલાઓ હજુ પણ ચાલી રહ્યા છે. રિપોર્ટ મુજબ રવિવારે ઈરાનની રાજધાની તહેરાનમાં આજે પાંચ કાર બોંબ વિસ્ફોટ થયા છે, જે મામલે ઈરાને ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. ઈઝરાયલના હુમલાઓને અટકાવવા માટે ઈરાને પોતાની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દીધી છે.