આગ વરસાવતી ગરમી, અસહ્ય બફારા બાદ જેની આતુરતાપૂર્વક રાહ જોવાની હતી તે ચોમાસાની ઋતુનું ગુજરાતમાં ધમાકેદાર આગમન થયું છે. ગુજરાતના ૨૨૧ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. જેમાં અમદાવાદ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી છે. આજે વહેલી સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધીમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો.
સોમવારે સાંજે ત્રણ કલાક ધોધમાર વરસાદ બાદ આજે વહેલી સવારે અમદાવાદ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ચાંદખેડા, ગોતા, થલતેજ, પ્રહ્લાદનગર, બોપલ, મકરબા, વેજલપુર, સરખેજ, એસ.જી સહિતના વિસ્તારોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. વહેલી સવારે ઓફિસ જવા નીકળેલા લોકો વરસાદના કારણે અટવાયા હતા. ગત ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં સરેરાશ ૨ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
સોમવારે સાંજે પડેલા ભારે ગાજવીજ સાથેના વરસાદના કારણે અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં વરસાદથી હાલાકી પડી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
વિમાન દુર્ઘટના પછી મૃતકોના મૃતદેહને સોંપવાની કામગીરી ચાલી રહી છે તેવા સમયે જ વરસાદ વરસી પડતા મૃતકોના પરિવારજનોને ખાસ તૈયાર કરવામાં આવેલા ટેન્ટની અંદર વરસાદ બંધ થાય એની રાહ જોવાની ફરજ પડી હતી.
ગત મોડી રાત્રે ૦૨:૦૦ થી ૦૪:૦૦ વાગ્યા સુધીના બે કલાકમાં બોટાદમાં ૪ ઈંચ નોંધાયો હતો. જ્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૧ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ ગઢડામાં ૧૪ ઇંચ, પાલીતાણામાં ૧૨ ઇંચ, સિહોરમાં ૧૧.૬ ઇંચ, બોટાદમાં ૧૧ ઇંચ, ઉમરાળામાં ૧૦.૪ ઇંચ, જેસરમાં ૧૧ ઈંચ, મહુવામાં ૯ ઈંચ અને રાજુલામાં ૭ ઈંચ વરસાદ નોંધાયો હતો.