મધ્ય-પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન એકબીજા પર તાબડતોડ હુમલાઓ કરી રહ્યા છે. ઈઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમના ઠેકાણાઓનો ખાતમો કરવાની કસમ ખાધી છે. અગાઉ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ એ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ ને ધમકી આપી હતી, ત્યારે હવે ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે ખામેનેઈને ધમકી આપી છે. તેમણે ચેતવણી આપતી કહ્યું છે કે, ખામેનેઈની હાલત ઈરાકના પૂર્વ તાનાશાહ સદ્દામ જેવી થઈ શકે છે.
રૉયટર્સના અહેવાલ મુજબ ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ‘ઈરાનના લોકો જ ખામેનેઈને ફાંસીએ લટકાવી દેશે. યાદ રાખજો, ઈરાનના પડોશી દેશ ઈરાકમાં તાનાશાહ વિરુદ્ધ શું થયું હતું. તે પણ ઈઝરાયલની વિરુદ્ધમાં હતો.’ ઈરાકના તાનાશાહ સદ્દામ હુસેન પર જુદા જુદા મામલાઓમાં હજારો લોકોને મારવાનો આરોપ હતો. જોકે સદ્દામને ૧૯૮૨ માં દુજૈલ નરસંહાર હેઠળ ૧૪૮ શિયા મુસ્લિમોની હત્યાના આરોપમાં ફાંસી અપાઈ હતી. અમેરિકાના આગેવાની હેઠળના ગઠબંધન દ્વારા ૨૦૦૩ માં પહેલા સદ્દામને સત્તા પરથી હટાવ્યો હતો, ત્યારબાદ તેની ધરપકડ કરી હતી.
અગાઉ એવો અહેવાલ સામે આવ્યો હતો કે, ઈઝરાયલે ખામેનેઈની હત્યા કરવાની યોજના બનાવી હતી, જેને અમેરિકાએ અટકાવી હોવાનો દાવો કર્યો હતો. ટ્રમ્પ તંત્ર વારંવાર કહી રહ્યું છે કે, યુદ્ધમાં મોટા રાજકીય નેતાની હત્યાથી વાત વધુ બગડી શકે છે.
જી૭ના સભ્ય દેશોએ ઈઝરાયલનું સમર્થન કરીને કહ્યું છે કે, તેને પોતાની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
બીજીતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડામાં ચાલી રહેલા જી૭ શિખર સંમેલનને અધવચ્ચે છોડીને પરત જતા રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, હું યુદ્ધવિરામ કરાવવા જઈ રહ્યો નથી, પરંતુ કંઈક મોટું કરવા જઈ રહ્યો છું. તેમણે ઈરાનની રાજધાની તેહરાન તાત્કાલીક ખાલી કરવાની પણ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ‘ઈરાન પરમાણુ હથિયારો બનાવવાની નજીક પહોંચી ગયું છે. ઈરાને પરમાણુ હથિયારો બનાવવાની જીદ છોડવી પડશે.’