અમદાવાદમાં આગામી ૨૭ જૂને અષાઢી બીજે યોજાનારી રથયાત્રાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્લેન દુર્ઘટના બાદ અટકળો શરૂ થઇ હતી કે પરંપરાગત રીતે રથયાત્રા યોજવામાં નહી આવે. પરંતુ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ નિવેદન આપ્યું હતું કે જગન્નાથજીની ૧૪૮ મી રથયાત્રા પરંપરાગત નીકળશે. જેના લીધે શરૂ થયેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. ભગવાન જગન્નાથની આગામી ૧૪૮ મી વાર્ષિક રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દેશની સૌથી લાંબો રૂટ ધરાવતી યાત્રા છે. જેમાં લાખોની સંખ્યામાં નગરચર્યાએ આવતાં ભગવાનના દર્શન કરવા માટે ઉમટે છે.
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે આગામી ૧૪૮ મી રથયાત્રા પરંપરાગત રીતે પોતાના રૂટ પરથી જ નીકળશે. હાલ ટ્રક અને ટેબ્લો અંગે સરકાર સાથે વાટાઘાટ ચાલી રહ્યો છે. જે અંગે સરકાર સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૨૭૮ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે આ વર્ષે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે એવા અહેવાલ હતા.
જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝા અને મંદિરના મહંત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, ‘દર વર્ષે જે રીતે પરંપરા મુજબ રથયાત્રા નીકળે તે પ્રમાણે તૈયારી કરવામાં આવી છે.’
સવારના નિજ મંદિરેથી રથયાત્રાની શરુઆત થયા બાદ ખમાસા ગેટ, મ્યુનિસિપલ કચેરી, આસ્ટોડિયા ચકલા, રાયપુર, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, ડૉ. આંબેડકર હોલ, સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે છે. અહીંયા થોડો સમય વિરામ લીધા પછી રથયાત્રીઓ જય જગન્નાથજીના ગગનભેદી નારાઓ સાથે આગળની પરિક્રમા શરૂ કરે છે. સરસપુર ચાર રસ્તાથી ડૉ.આંબેડકર હોલ, કાલપુર સર્કલ, જોર્ડન રોડ, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઘીકાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, આર.સી. હાઇસ્કૂલ, માણેકચોક, ગોળલીમડા, દાણાપીઠ, ખમાસા થઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિજ મંદિરે પરત ફરે છે.
અમદાવાદના જગન્નાથજી મંદિરમાં જગન્નાથપુરી મંદિરની જેમ તમામ પૂજા-વિધિઓ થતી હતી. 1869થી અમદાવાદમાં રથયાત્રા નિકળવાની શરુઆત થઈ હતી. ભરુચમાં રહેતા ખલાસ કોમના ભાઈઓ કે જેઓ નૃસિંહદાસજીના ભક્તો હતા તેમણે મોટાપાયા પર નીકળનારી રથયાત્રાની તૈયારીના પ્રારંભને લઈને નારિયેળના ઝાડના લાકડામાંથી ત્રણ રથ તૈયાર કરી અમદાવાદ પહોંચાડી દીધા હતા. પછી અષાઢ સુદ બીજના દિવસથી શરુ થયેલી આ પરંપરા અત્યાર સુધી અખંડ રહી છે એટલે ભગવાનના રથ ખેંચવાનું કાર્ય ખલાસ ભાઈઓ જ કરે છે.