અમદાવાદમાં પ્લેન ક્રેશનો કાટમાળ લઈ જતા ટ્રકનો પણ અકસ્માત થયો હતો. ટ્રકમાં લઈ જવાઇ રહેલા પ્લેનના ટેલનો ભાગ (પ્લેનનું પુંછડું) ઝાડમાં ફસાઇ જતા આખો રોડ બંધ કરીને ટેલને કાઢવામાં આવી હતી. જેના માટે પોલીસ અને ફાયરની ટીમો કામે લાગી હતી. શાહીબાગ ડફનાળા નજીક એસીબી કચેરી સામેના ઝાડમાં ટ્રકમાં જઇ રહેલો પ્લેનનો પાછળનો ભાગ ફસાઇ ગયો હતો.
ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી. ઘટના સ્થળ પર પહોંચીને કામગીરી શરૂ કરી હતી. શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઝાડની કેટલીક ડાળીઓ કાપવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રકની પણ હવા ઓછી કરવામાં આવી હતી. જેથી ટ્રક થોડો નીચે થાય. આ પ્રકારે ભારે જહેમત બાદ ટેલને કાઢવામાં સફળતા મળી હતી. ફાયર વિભાગે ટેલના ભાગને સફળતાપૂર્વક હટાવી ત્યાંથી રવાના કરી દીધો હતો.