ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસજી) અજિત ડોભાલ શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની ૨૦ મી બેઠકમાં ભાગ લેવા ચીન પહોંચી ગયા છે. બીજિંગના ‘ગ્રેટ હૉલ ઓફ ધ પીપલ’માં યોજાયેલી બેઠકમાં ડોભાલે આતંકવાદ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, આતંકવાદ સામેની લડાઈમાં ‘બેવડા ધોરણો’ છોડી દેવા જોઈએ. તેઓ તેના મિત્ર પાકિસ્તાનની નાપાક આતંકવાદી પ્રવૃત્તિઓ પ્રત્યે ચીનના ઉદાસીન વલણનો ઉલ્લેખ કરી રહ્યા હતા. બેઠકમાં તેમણે ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ હાન ઝેંગ સાથે મુલાકાત કરી છે. ચીન સ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું કે, ‘એસસીઓની બેઠકમાં પહોંચેલા અજિત ડોભાલે અન્ય દેશોના પ્રતિનિધિમંડળના પ્રમુખો ઉપરાંત હાન ઝેંગ સાથે મુલાકાત કરી છે.’
એસસીઓમાં ડોભાલે કહ્યું કે, ‘સરહદપારથી આતંકવાદ ફેલાવનારાઓ, ષડયંત્ર કરનારા અને તેમનો નાણાંકીય મદદ કરનારાઓને જવાબદાર ઠેરવવા જોઈએ. આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં બેવડા માપદંડો ન રાખવા જોઈએ.’ ભારતીય સેના દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદને નિશાન બનાવવા મુદ્દે ડોભાલે કહ્યું કે, ‘ભારતે સમતોલ કાર્યવાહી કરી છે, જે ઘર્ષણ વધારનારી ન હતી.’ તેમણે એસસીઓમાં આવેલા વિવિધ દેશના પ્રતિનિધિમંડળના પ્રમુખોને આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદનો મુકાબલો કરવા માટેની સૂચના શેર કરવાનું પણ આહવાહન કર્યું છે.
ડોભાલે બેઠકમાં રશિયન સંરક્ષણ પરિષદના ઉપસચિવ એલેક્ઝેન્ડર વેનેદિક્તોવ સાથે પણ મુલાકાત કરી હતી. બંનેએ પરસ્પર સંબંધ, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીયના મહત્ત્વ મુદ્દે ચર્ચા કરી હતી. વેનેદિક્તોવે કહ્યું કે, ‘રશિયાએ વધુ એક વખત રાજદ્વારી ચર્ચા કરવા ડોભાલને આમંત્રણ આપ્યું છે. બંને દેશોએ વિશેષ રાજદ્વારી ભાગીદારીમાં પરસ્પરના સહયોગને આગળ વધારવાનું આહવાન કર્યું છે.
ડોભાલે સોમવારે (૨૪ જૂન) ચીનના કોમ્યુનિસ્ટ પાર્ટીના કેન્દ્રીય સમિતિના રાજકીય બ્યૂરોના સભ્ય અને વિદેશ મંત્રી વાંગ યી સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન ડોભાલે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે આતંકવાદના તમામ રૂપ અને સ્વરૂપ વિરુદ્ધ કડક કાર્યવાહીની જરૂરીયાત પર ભાર મૂક્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા તેમજ પરસ્પર સંબંધો વધારવા પર ભાર મૂક્યો છે. બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થાય તે માટે સંપર્ક વધારવા અંગે પણ વાતચીત કરવામાં આવી છે. બેઠકમાં ડોભાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘આતંકવાદના કોઈપણ સ્વરૂપને ક્યારેય સાંખી નહીં લઈએ. આખા પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા કાયમ રહે તે માટે આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જરૂર છે.