ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુરુવારે નવસારી સહિત ઘણા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુરુવારે નવસારી સહિત ઘણા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. નર્મદા અને તાપી જિલ્લામાં મુશળધાર વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અરવલ્લી, પંચમહાલ, મહિસાગર અને વડોદરા જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આ જિલ્લાઓમાં હળવા વાવાઝોડા અને ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

નવસારી જિલ્લામાં આજે સવારે ભારે વરસાદ પડ્યો હતો. ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે કાવેરી નદીનું જળસ્તર વધ્યું છે. કાવેરી નદી પર બનેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબી ગયું હતું. પાણીનો પ્રવાહ વધ્યો અને પુલ પરથી પાણી વહેવા લાગ્યું હતું.
ગુજરાતના સુરત, વાપી અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા ૪૮ કલાકમાં સુરતમાં ૪૦૦ મીમીથી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે ઘણા ભાગોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે ઘણા રસ્તાઓ અને રહેણાંક સંકુલ પાણીમાં ડૂબી ગયા હતા. ભારે વરસાદને કારણે તાપી નદી ઓવરફ્લો થઈ ગઈ હતી. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે કેટલાક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે પંચાયતના ૬૬ રસ્તાઓ બંધ કરી દેવાયા છે. જેમાં વાંસદા તાલુકાના ૨૪, ચીખલી તાલુકાના ૨૪, ખેરગામ તાલુકાના ૯, નવસારી તાલુકાના ૫, ગણદેવી તાલુકાના ૩, અને જલાલપોરના ૧, મળી નવસારી જિલ્લાના ૬૬ રસ્તાઓ ઓવરટોપીંગના કારણે અવરોધાયા છે.