હેલ્થ એક્સપર્ટ્સના મતે, દરરોજ માત્ર ૧૫ થી ૩૦ મિનિટ સુધી આ જાપાનીઝ વોકિંગ ટેકનિક અનુસરવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ કન્ટ્રોલમાં રહે છે અને પાચનતંત્ર સુધરે છે.
જાપાન તેના લોકોના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે દુનિયાભરમાં જાણીતું છે. જાપાનના લોકો ખાસ કરીને જાપાનીઝ વોકિંગ ટેકનિક નામની સરળ અને અસરકારક ટેકનિકને અનુસરે છે. તેનાથી શરીર એક્ટિવ અને ફિટ રહે છે એટલું જ નહીં, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને હાર્ટ એટેક જેવી બીમારીઓનો ખતરો પણ ઓછો થાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દરરોજ માત્ર ૧૫-૩૦ મિનિટ આ ટેકનિક અનુસરવાથી શરીરનું બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ, સ્ટ્રેસ લેવલ અને પાચનમાં સુધારો થઈ શકે છે.
ડાયાબિટીસ એક્સપર્ટ ના જણાવ્યા અનુસાર, આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે દરરોજ ૧૦,૦૦૦ ડગલાં ચાલવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. કેટલાક લોકો રોજ વગર ભૂલે ચાલવાની પ્રેક્ટિસ પણ કરે છે, પરંતુ તેમ છતાં કેટલાક લોકો ફરિયાદ કરે છે કે તેમનું વજન ઓછું થતું નથી, તેમની સુસ્તી દૂર થતી નથી અને તેમનું બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ નિયંત્રણમાં નથી. આવી સ્થિતિમાં, જાપાની ચાલવાની તકનીકને અનુસરવી ફાયદાકારક હોઈ શકે છે.
ઇન્ટરવલ વોકિંગ
બસ, ચાલવાની ગતિને થોડી બદલવી પડે છે, પરંતુ તેના ફાયદા બહુ આશ્ચર્યજનક છે. આ પદ્ધતિથી થાક લાગ્યા વગર શરીરમાં ઉર્જા વધે છે, ઊંઘ સારી થાય છે અને વજન ઘટાડવામાં પણ ખૂબ અસરકારક છે. આ જાપાનીઝ ટેકનિક સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.
ઇન્ટરવલ વોકિંગ એટલે શું?
ઇન્ટરવલ વોકિંગ એટલે એક સાથે બે સ્પીડે એટલે કે થોડું ઝડપી અને થોડું ધીમું ચાલવું. જેમા તમે ૩ મિનિટ સુધી ઝડપી ગતિથી ચાલો અને ત્યાર પછી ૩ મિનિટ સુધી ધીમી ગતિથી ચાલો. આ રીતે ૫ થી ૬ રાઉન્ડ એટલે કે લગભગ ૩૦ થી ૪૦ મિનિટ સુધી આ રીતે ચાલવાથી સંપૂર્ણ એક્સરસાઇઝ થઇ જાય છે. આ કસરત હૃદય સ્વસ્થ રાખે છે, ચરબી ઘટાડે છે અને શરીર પર વધુ તાણ લાવ્યા વગર સંપૂર્ણ તંદુરસ્તી વધારે છે.
એનર્જી વધારે છે
નિયમિત ચાલવાથી ઘણા લોકો થાક અનુભવે છે, પરંતુ ઇન્ટરવલ વોકિંગથી શરીરને સીધી ઉર્જા મળે છે. રિસર્ચ મુજબ આ પ્રકારના વોકિંગથી લગભગ ૨૦ % વધારે એનર્જી મળે છે. જેનાથી આખો દિવસ શરીર તાજગી અનુભવે છે. જો તમે સવારે કે સાંજે આ રીત અપનાવશો તો કામના કલાકો દરમિયાન તમને સારી કાર્યક્ષમતા મળશે અને તમારું મન પણ શાંત રહેશે.
બ્લડ સુગર અને શરીરના વજન પર અસર
ઇન્ટરવલ વોકિંગનો સૌથી મહત્વપૂર્ણ ફાયદો એ છે કે તે બ્લડ પ્રેશર અને શરીરના વજન પર કુદરતી નિયંત્રણ પ્રદાન કરે છે. એકસમાન ગતિએ ચાલવાથી શરીરની ચરબીનો અસરકારક રીતે ઉપયોગ થાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ પદ્ધતિને નિયમિતપણે ૩૦ મિનિટ સુધી અનુસરવાથી દવા પરની નિર્ભરતા ઓછી થઈ શકે છે.