દુનિયાભરના દેશોને રેસિપ્રોકલ ટેરિફની સાથે ઝટકો આપનારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યા છે કે, ટૂંક સમયમાં જ ભારત સહિત કેટલાક દેશો સાથે ટ્રેડ ડીલ થવાની શક્યતા છે. ટ્રમ્પે કહ્યું કે, તેમણે ૯ જુલાઈની ટ્રેડ ડેડલાઈનને વધારવાની જરૂર નથી. આ ડેડલાઈન તે દેશો માટે નક્કી કરાઈ છે જે અમેરિકા સાથે નવી ટ્રેડ ડીલ કરવા ઇચ્છે છે તેથી વધારે ટેરિફથી બચી શકાય. તેમણે ભારત સાથે ટ્રેડ ડીલ પર પણ કહ્યું કે, આ ખૂબ જ જલ્દી થઈ શકે છે.
ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે, ‘મને નથી લાગતું કે મારે ડેડલાઈનને વધારવાની જરૂર પડશે. જો ઈચ્છીએ તો વધારી શકીએ છીએ, કોઈ મોટી વાત નથી.’
ટ્રમ્પે પહેલા પણ કહ્યું છે કે, ‘સરકાર ડેડલાઈનની સાથે જે ઇચ્છે તે કરી શકે છે. ભલે નાની કરવાની હોય કે મોટી. હું તો ઇચ્છું છું કે નાની કરી દેવી જોઈએ અને તમામને પત્ર મોકલી દેવામાં આવે- શુભેચ્છા, હવે તમે ૨૫ % ટેરિફ આપશો.’
ટ્રમ્પે વિશેષ કરીને ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ તે દેશોમાં સામેલ છે જેની સાથે વેપાર કરાર ટૂંક સમયમાં જ ફાઈનલ થઇ શકે છે. ગત અઠવાડિયે ભારતીય વેપાર પ્રતિનિધિઓની એક ટીમ વોશિંગ્ટનમાં અમેરિકન અધિકારીઓ સાથે મુલાકાત કરી ચૂકી છે.