મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવાનો નિર્ણય ફડણવીસ સરકાર માટે માથાનો દુઃખાવો બની ગયો છે. પ્રચંડ બહુમતિ સાથે જીતેલી મહાયુતિ સરકાર વિપક્ષોના વિરોધ અને મરાઠી ઓળખના પ્રશ્નો વચ્ચે અંતે પોતાનો નિર્ણય પાછો ખેંચવા મજબૂર બની છે. ધોરણ ૧ થી ૫ સુધી મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા તરીકે શીખવવાનો નિર્ણય રદ કરાયો છે.
મરાઠી મતદારોનો વિશ્વાસ જીતવા અને જાળવી રાખવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ૨૯ જૂન ૨૦૨૫ ના રોજ એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે હિન્દી ફરજિયાત સંબંધિત ૧૬ એપ્રિલ અને ૧૭ જૂનના સરકારી આદેશો રદ કરવામાં આવી રહ્યા છે. આ સાથે, શિક્ષણવિદ્ નરેન્દ્ર જાધવના નેતૃત્વ હેઠળ એક નવી સમિતિની રચના કરવામાં આવી છે, જે ત્રણ ભાષા નીતિ પર વિચાર કરશે. આ સમિતિ મરાઠી વિદ્વાનો, શિક્ષકો અને અન્ય પક્ષો સાથે વાત કરશે. તેમજ ત્રણ ભાષા નીતિ કેવી રીતે લાગુ કરવી તે નક્કી કરશે. ફડણવીસે સ્પષ્ટતા આપી કે મરાઠી રાજ્યની પ્રથમ પ્રાથમિકતા રહેશે, અને કોઈપણ નિર્ણય મરાઠી ભાષા અને વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.
મહારાષ્ટ્રના લોકોના હૃદયમાં મરાઠી ભાષા અને સંસ્કૃતિ વસે છે. એપ્રિલ ૨૦૨૫ માં, જ્યારે સરકારે ધોરણ ૧ થી ૫ સુધી હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવાનો નિર્ણય લીધો હતો ત્યારે તેને મરાઠી પર ‘હિન્દી લાદવાનો’ પ્રયાસ માનવામાં આવ્યો હતો. વિપક્ષે તેને લેંગ્વેજ ઈમરજન્સી તરીકે જાહેર કર્યો હતો. ત્યારબાદ શિક્ષકો, વાલીઓ અને મરાઠી સંગઠનોએ રાજ્યભરમાં જોરદાર વિરોધ કર્યો હતો. #SaveMarathi સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું. શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને મનસેએ 6 અને 7 જુલાઈએ મુંબઈમાં વિરોધ રેલીનું આયોજન કર્યું હતું. જો સરકાર ઝૂકી ન હોત તો તે મરાઠા અનામત જેવા મોટા આંદોલનમાં ફેરવાઈ ગયું હોત, જેના કારણે ભાજપને મરાઠી મતદારોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હોત અને તેની છબી ખરડાઈ જવાનું જોખમ વધ્યું હતું.
મરાઠા અનામત જેવા મુદ્દાઓએ મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને મહાયુતિ ગઠબંધનને નુકસાન પહોંચાડ્યું હતું. હિન્દી વિવાદ ઉભરી આવતાંની સાથે જ સરકારને ડર હતો કે આ મુદ્દો પણ મરાઠા અનામત જેવો મોટો મુદ્દો બની શકે છે. વિપક્ષો ખાસ કરીને શિવસેના (યુબીટી), કોંગ્રેસ અને એનસીપી (એસપી) એ આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો. લોકસભા ચૂંટણીમાં મરાઠા અનામત આંદોલનને કારણે એનડીએને ઘણું નુકસાન થયું હતું. ભાજપ મરાઠવાડા ક્ષેત્રમાંથી એક પણ બેઠક જીતી શક્યું ન હતું. આગામી દિવસોમાં, આના કારણે પાર્ટીની હાલત વધુ ખરાબ થવાની આશંકા હતી.
વિવાદ પર મહાયુતિ ગઠબંધનમાં પણ ઘણા મતભેદો ઊભા થયા હતા. ડેપ્યુટી સીએમ અજિત પવાર અને શિવસેનાના કેટલાક મંત્રીઓએ હિન્દી ફરજિયાત કરવાના નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, સરકારે વિવાદનો અંત લાવવા માટે આ નિર્ણય રદ કર્યો છે. વિપક્ષમાં ઉદ્ધવ ઠાકરેએ તેને “મરાઠી માનુષ પર હુમલો” ગણાવ્યો હતો. જ્યારે કોંગ્રેસ અને એનસીપી(સપા)એ સરકારને ઘેરી હતી. સૌથી અગત્યનું, આ મુદ્દાના કારણે ઉદ્ધવ અને રાજ ઠાકરે એક મંચ પર ભેગા થવાની અટકળો હતી.