વર્તમાન સમયમાં વિશ્વભરમાં સંઘર્ષ તેમજ ભવિષ્યના યુદ્ધોની તૈયારીને ધ્યાને રાખી ભારતે એડવાન્સ્ડ બંકર-બસ્ટર્સ બોમ્બ બનાવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમેરિકાએ તાજેતરમાં જ ઈરાનના પરમાણુ કેન્દ્ર પર બંકર-બસ્ટર્સ બોમ્બ ઝિંક્યા હતા. ત્યારબાદ ભારતે અમેરિકાથી પણ ખતરનાક બંકર-બસ્ટર્સ બોમ્બ બનાવવા તરફ આગળ વધ્યું છે. ભારતનું બંકર-બસ્ટર્સ બોમ્બ દુશ્મન દેશની જમીનની ૧૦૦ મીટર નીચે ઘૂસીને ટાર્ગેટ કરવાની ક્ષમતા ધરાવતું હશે.
ભવિષ્યની સ્થિતિને ધ્યાને રાખી ભારત નવો અને પાવરફુલ મિસાઈલ સિસ્ટમ ડેવલપ કરી રહ્યું છે. આ સિસ્ટમ દુશ્મ દેશની જમીનની છેક અંદર બનાવેલા પરમાણુ ઠેકાણાઓ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરવામાં સક્ષમ હશે. મિસાઈલ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અગ્નિ-V ઈન્ટરકૉન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું મોડિફાઈડ વર્જન બનાવી રહ્યું છે. અગ્નિ-Vના ઓરિજનલ વર્જનની રેન્ચ ૫૦૦૦ કિલોમીટરથી વધુ છે અને આ મિસાઈલ પરમાણુ હથિયાર વહન કરે છે. હવે તેનું મોડિફાઈડ વર્જન ૭૫૦૦ કિલોગ્રામના વિશાળ બંકર-બસ્ટર વારહેડને લઈ જવા માટે સક્ષમ બનાવાશે.
ભારતે જે બંકર-બસ્ટર બોમ્બ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, તેની ક્ષમતા દુશ્મન દેશની જમીનની ૧૦૦ મીટર નીચેના ટાર્ગેટને ઉડાવી દેવામાં સક્ષમ હશે. અમેરિકાએ તાજેતરમાં જ ઈરાનના ફોર્ડો પરમાણુ સ્થળ પર વિશ્વના સૌથી ખતરનાક બંકર-બસ્ટર બોમ્બ GBU-૫૭/Aનો ઉપયોગ કર્યો હતો. અમેરિકાએ પરમાણુ કેન્દ્ર પર કુલ ૧૪ GBU-૫૭/A બોંબ ઝિંક્યા હતા. આ હુમલા બાદ અમેરિકાના બંકર-બસ્ટર બોમ્બ પર વિશ્વભરનું ધ્યાન કેન્દ્રીત થતું હતું
ઈઝરાયલ-ઈરાન વચ્ચે તાજેતરમાં જ યુદ્ધ થયું હતું, જેમાં અમેરિકાએ પોતાના બી-૨ બોમ્બર વિમાનોથી બંકર-બસ્ટર બોમ્બ એટલે કે મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર (MOP) ઈરાનના ફોર્ડો પરમાણુ કેન્દ્ર પર ઝિંક્યા હતા, જેમાં તેના પરમાણુ કેન્દ્રને ઘણું નુકસાન થયું હતું. વાસ્તવમાં ઈરાનનું ફોર્ડો પરમાણુ કેન્દ્ર પહાડો વચ્ચે જમીનની અંદર ૧૦૦ મીટર નીચે બનાવાયું છે, તેને સામાન્ય વિસ્ફોટોથી ઉડાવી શકાતું નથી, તેથી અમેરિકાએ બંકર-બસ્ટર ફોન ઝિંકવાનો નિર્ણય કર્યો હતો. આ બોમ્બ જમીનમાં ૬૦ થી ૭૦ મીટર સુધી ખાડો પાડી અંદર ઘૂસે છે, પછી જોરદાર વિસ્ફોટ થાય છે. એટલે કે દુશ્મન દેશની જમીનની અંદરની સુવિધાઓને ટાર્ગેટ કરવા માટે આ બોમ્બનો ઉપયોગ કરવામાં આવે છે.
અમેરિકાએ બનાવેલ મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર (MOP) એ ૩૦,૦૦૦ પાઉન્ડ (૧૩૬૦૭ કિગ્રા)નો બોમ્બ છે જે ખાસ કરીને અંડરગ્રાઉન્ડ ઠેકાણાઓને ખતમ કરી શકે છે. આ બોમ્બ અત્યંત મજબૂત સ્ટીલ એલોયથી બનેલો છે જે તેને જમીનની અંદર સેંકડો ફૂટ સુધી પ્રવેશવાની ક્ષમતા ધરાવે છે. ઈરાન પર હુમલા બાદ અમેરિકાની એરફોર્સે કહ્યું હતું કે, મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર બોમ્બ GPS સંચાલિત હોય છે અને તેને ફક્ત બી-૨ સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બરથી જ છોડી શકાય છે. ફાઈટર જેટ બી-૨ બોમ્બરની ખાસિયત એ છે કે તે રડારથી છુપાઈને લાંબા અંતર સુધી ઉડી શકે છે અને હવામાં ઇંધણ ભરીને લક્ષ્ય સુધી પહોંચી શકે છે.
અત્યાર સુધી કોઈપણ યુદ્ધમાં બંકર બસ્ટર બોમ્બના ઉપયોગ વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ લશ્કરી નિષ્ણાતો માને છે કે આ બોમ્બ હવે પહેલા કરતા વધુ અદ્યતન અને અસરકારક બની ગયો છે. આ બોમ્બ લગભગ ૨૦૦ ફૂટની ઊંડાઈ સુધી ઘૂસી શકે છે, અને છેલ્લા ૨૦ વર્ષમાં તેના વિકાસથી તેની ક્ષમતાઓમાં વધુ વધારો થયો છે. અમેરિકાની સેના પાસે હાલમાં ૧૯ ઓપરેશનલ બી-૨ બોમ્બર્સ છે. તેઓ સબસોનિક સ્પીડથી ઉડે છે પરંતુ તેમની રેન્જ લાંબી છે. ૧૯૯૦ ના દાયકામાં કોસોવો યુદ્ધ દરમિયાન, બી-૨ પાઇલટ્સે અમેરિકાના મિઝોરીમાં વ્હાઇટમેન એરફોર્સ બેઝથી ઉડાન ભરી હતી અને સીધા લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. વર્ષ ૨૦૧૭ માં બે બી-૨ બોમ્બર્સે લિબિયામાં ઇસ્લામિક સ્ટેટ કેમ્પ પર હુમલો કરવા માટે ૩૪ કલાક ઉડાન ભરી હતી.