એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી અને સલાહકાર રહેલા અબજોપતિ ઈલોન મસ્કે ફરીથી અમેરિકન પ્રમુખના “વન બિગ, બ્યુટીફૂલ બિલ”ની જાહેરમાં આકરી ટીકા કરવા લાગ્યા છે. મસ્કે ટ્રમ્પના બહુચર્ચિત બિલને પાગલપન અને સામાન્ય કરદાતાઓ માટે બોજો ગણાવ્યું હતું. આ સાથે, તેમણે ચેતવણી આપી હતી કે જો સેનેટ આ બિલને મંજૂરી આપશે તો હું બીજા જ દિવસે “અમેરિકા પાર્ટી” નામનો એક નવો રાજકીય પક્ષ ઊભો કરીશ.
બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળની મુખ્ય નીતિ દર્શાવે છે જેમાં સંરક્ષણ, ઉર્જા અને સરહદ સુરક્ષા માટે મોટા બજેટની માંગ કરવામાં આવી છે, પરંતુ પોષણ અને આરોગ્ય સેવાઓમાં કાપ મૂકવાની પણ જોગવાઈ છે. કોંગ્રેસનલ બજેટ ઓફિસે જણાવ્યું હતું કે આગામી દસ વર્ષોમાં, આ બિલ રાજકોષીય ખાધમાં લગભગ $ ૩.૩ ટ્રિલિયનનો વધારો કરશે.
મસ્કે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું કે, “આ બિલ દેવાની મર્યાદામાં રેકોર્ડ પાંચ ટ્રિલિયન ડોલરનો વધારો કરે છે. તે સ્પષ્ટ છે કે આપણે હવે એક-પક્ષીય દેશમાં રહીએ છીએ – ‘પોર્કી પિગ પાર્ટી’! હવે એક નવી પાર્ટીનો સમય છે જે ખરેખર લોકોની ચિંતા કરે છે.” તેમણે રિપબ્લિકન નેતાઓ, ખાસ કરીને હાઉસ ફ્રીડમ કોકસના ચેરમેન એન્ડી હેરિસ સામે પણ આકરા પ્રહારો કર્યા અને કહ્યું, “જો તમે સરકારી ખર્ચ ઘટાડવાના નામે ચૂંટાયા હોવ અને પછી દેવાની મર્યાદામાં સૌથી વધુ વધારો કરતા બિલ માટે મતદાન કરો, તો તમને શરમ આવવી જોઈએ.”
