પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને તૃણમૂળ કોંગ્રેસની અધ્યક્ષ મમતા બેનર્જી પર ચૂંટણી પંચે લગાવેલા 25 કલાકના પ્રતિબંધ સામે તેમણે આજે કોલકાતામાં ધરણા કર્યા હતા. ત્યારબાદ જેવો પ્રતિબંધનો સમય પુરો થયો મમતા બેનર્જીએ બારાસાતમાં એક રેલી કરી જેના સંબોધન દરમિયાન તેમણે ભાજપ અને ઇલેક્શન કમિશન પર પ્રહાર કર્યા.
મમતા બેનર્જીએ કહ્યું કે કોઇ પણ ભોગે મને ચૂંટણી પ્રચાર કરતા રોકવાના પ્રયત્નો થઇ રહ્યા છે. ભાજપ ચૂંટણી પ્રચાર કરી શકે છે, પરંતુ મને ચૂંટણી પ્રચાર કરવાની અનુમતિ નથી. જનતા આ વાતને ધ્યાનમાં રાખશે. તેમણે પુછ્યું કે મતા બેનર્જીએ તમામ લોકોને એકજૂથ થઇને મત કરવાની અપીલ કરીને ખોટું કર્યું? મારે હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ, માતાઓ, બહેન, વિદ્યાર્થીઓ અને યુવાનો પાસેથી મત જોઇએ છે.
હું ભાજપને બતાવવા માગુ છુ કે તમારી પાસે પૈસા છે, હોટેલ છે અને તમામ એજન્સીઓ છે આમ છતા તમે આ લડાઇને હારી જશો, કારણ કે હું એક સ્ટ્રીટ ફાઇટર છું અને હું યુદ્ધભૂમિમાં લડુ છું. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ કૃષ્ણાનગરની એક રેલીમાં કહ્યું હતું કે મમતા દીદીએ મતુઆ સમુદાય માટે કંઇ નથી કર્યુ. હું સાર્વજનિક રીતે તેમનેપડકાર સ્વીકારવાનું કહીશ. જો મેં મતુઆ સમુદાય માટે કંઇ નથી કર્યુ તો હું રાજનીતિ છોડી દઇશ અને જો તમે ખોટું બોલો છો તો કાન પકડીને ઉઠક બેઠક કરો.