વિશ્વસ્તરે ભારતના દબદબાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે વડા પ્રધાન મોદી બ્રાઝિલની મુલાકાતે છે.
પીએમ નરેન્દ્ર મોદી હાલમાં બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં ૧૭ મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. તેઓ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાના આમંત્રણ પર બ્રાઝિલની બે તબક્કાની મુલાકાત પર છે. રિયો ડી જાનેરોના ગેલિયો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને પોતાનું ઉત્સાહ વ્યક્ત કરતા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, “હું રિયો ડી જાનેરો પહોંચી ગયો છું જ્યાં બ્રિક્સ સમિટમાં ભાગ લૈશ અને પછી બ્રાઝિલિયાને રાજ્ય મુલાકાત આપીશ. હું ફળદાયી બેઠકોની અપેક્ષા રાખું છું.”
મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ ક્ષેત્રો – જેમ કે વેપાર, સંરક્ષણ, ઊર્જા, અવકાશ, ટેકનોલોજી, કૃષિ, આરોગ્ય અને લોકસંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મુકવામાં આવશે. આ વાતચીત ભારતીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
બ્રિક્સ સમિટમાં પીએમ મોદી વિશ્વના વિવિધ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. અગાઉ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સુધી સીમિત બ્રિક્સ ગ્રુપ હવે ઇથોપિયા, ઈરાન, ઇજિપ્ત, ઇંડોનેશિયા, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયા જેવી તાકાતવર અર્થવ્યવસ્થાઓને સાથે લઈ વિશ્વ સ્તરે વધુ શક્તિશાળી બની રહ્યું છે.
બ્રાઝિલમાં વસતા ભારતીય સમુદાયમાં પણ પીએમ મોદીના આગમનને લઇ ઉત્સાહનો માહોલ છે. લોકો પીએમને મળવા માટે આતુર છે. સ્થાનિક ભારતીયનું કહ્યું કે, “હું ગુજરાતનો છું અને બ્રાઝિલમાં લાંબા સમયથી છું. આજે પીએમ મોદીનું સ્વાગત કરીને મને ગર્વ અને સન્માન લાગે છે.”
પીએમ મોદીએ ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, અને આર્જેન્ટિનાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને આર્જેન્ટિનાની મુલાકાત ૫૭ વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય વડા પ્રધાન દ્વારા થઇ હતી. અહીં તેમણે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી. હવે, ૯ જુલાઈએ વડાપ્રધાન મોદી નામિબિયા જશે અને ત્યાંની સંસદને પણ સંબોધિત કરશે. આ રીતે, આ વીસિષ્ટ યાત્રા વડે ભારતના વૈશ્વિક સંબંધોમાં નવી ગતિ મળી રહી છે.