વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રિયો ડી જેનેરિયોમાં આયોજિત ૧૭ માં બ્રિક્સ શિખર સમ્મેલનને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે ઈન્ટરનેશનલ ગવર્નન્સ સ્ટ્રક્ચરમાં વ્યાપક સુધારાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ૨૧ મી સદીના નિર્ણયોમાં ગ્લોબલ સાઉથની ભાગીદારી વધારવી હવે જરૂરી બની ગઈ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘૨૦ મી સદીમાં બની વૈશ્વિક સંસ્થાઓમાં દુનિયાની બે તૃતીયાંશ ભાગની વસ્તીને આજ સુધી યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું નથી. આજના વૈશ્વિક અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહેલા દેશોને નિર્ણય લેવાના ટેબલ પર સ્થાન આપવામાં આવ્યું નથી. ગ્લોબલ સાઉથ વિનાની વૈશ્વિક સંસ્થાઓ એવી છે કે, મોબાઈલ ફોનમાં સીમકાર્ડ તો હોય પરંતુ નેટવર્ક ન હોય.’
ગ્લોબલ સાઉથને પ્રાથમિક્તા આપતા પીએમ મોદીએ કહ્યું કે, ‘વિકાસની વાત હોય કે સંસાધનોના વિતરણ કે સુરક્ષા સંબંધિત મુદ્દાની, ગ્લોબલ સાઉથના હિતને પ્રાથમિક્તા આપવામાં આવી નથી. ગ્લોબલ સાઉથને ક્લાઇમેટ ફાઇનાન્સ, ટકાઉ વિકાસ અને ટેકનોલોજીની પહોંચ જેવા મુદ્દાઓ પર બહુ ઓછો અથવા કોઈ ટેકો મળ્યો નથી.’
બ્રિક્સ શિખર સમ્મેલનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ‘જ્યારે દુનિયામાં દર અઠવાડિયે એઆઈ અને ટેક્નોલોજી અપડેટ થઈ રહી છે, તો એ અસ્વીકાર્ય છે કે ગ્લોબલ ઈન્સ્ટિટ્યૂશન્સ ૮૦ વર્ષોથી વિના અપડેટથી ચાલી રહ્યા હોય. ૨૦ મી સદીના ટાઈપરાઈટરથી ૨૧ મી સદીના સોફ્ટવેરને ચલાવી શકાય નથી. બ્રિક્સનો વિસ્તાર અને નવા મિત્રોનું જોડાવવાનું એ વાત સાબિત કરે છે કે, બ્રિક્સ એક એવું સંગઠન છે કે જે સમયને આધારે ખુદને બદલવાની ક્ષમતા રાખે છે. હવે યુએનએસસી, વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) અને બહુપક્ષીય વિકાસ બેંકો જેવી સંસ્થાઓમાં સુધારા માટે પણ આવી જ ઇચ્છાશક્તિ દર્શાવવી પડશે.’