કોંગ્રેસે આજે સોમવારે કેન્દ્ર સરકાર પર વર્લ્ડ બેન્કના રિપોર્ટની ખોટી માહિતી ફેલાવી હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં કેન્દ્ર સરકારે વિશ્વમાં ચોથા ક્રમનો સમાનતા ધરાવતો દેશ ભારત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે વાસ્તવમાં રિપોર્ટમાં ભારત વિશ્વનો ૪૦ મો સૌથી વધુ અસમાનતા ધરાવતો દેશ છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આક્ષેપ કરતાં કહ્યું છે કે, સરકારે જાણી જોઈને ખોટી માહિતી ફેલાવી છે. જ્યારે સત્ય એ છે કે, ભારત વિશ્વનો ૪૦ મો સૌથી વધુ અસમાનતા ધરાવતો દેશ છે. પીઆઈબીએ આવો ખોટો દાવો કરતી પ્રેસ રીલિઝ પાછી ખેંચવી જોઈએ.
જયરામ રમેશે એક નિવેદનમાં જણાવ્યું કે, તમે ક્રોનોલોજી સમજો. એપ્રિલ, ૨૦૨૫ માં વર્લ્ડ બેન્કે ભારત માટે ‘પોવર્ટી એન્ડ ઈક્વિટી બ્રીફ’ રિપોર્ટ જાહેર કર્યો હતો. ત્યારબાદ કોંગ્રેસે એક નિવેદન જાહેર કરી તે રિપોર્ટમાં સામેલ અનેક ચેતવણીના સંકેતો તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જેમાં સામેલ હતું કે, ભારતમાં ગરીબી અને અસમાનતાના સરકારી આંકડા વાસ્તવિક સ્થિતિથી ઓછા બતાવવામાં આવે છે. તે રિપોર્ટ રજૂ થયાના ત્રણ મહિના બાદ ૫ જુલાઈના રોજ મોદી સરકારની જયકારા મંડળી અને પ્રેસ (મિસ) ઈન્ફોર્મેશન બ્યૂરો (પીઆઈબી)એ એક પ્રેસ રીલિઝ જાહેર કરી ચોંકાવનારો રિપોર્ટ આપ્યો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, વિશ્વમાં સૌથી વધુ સમાનતા ધરાવતા દેશમાં ભારત ચોથા ક્રમે છે.
મોદી સરકાર વર્લ્ડ બેન્કના રિપોર્ટનું વિશ્લેષણ કરવામાં બેદરકાર રહી હતી. તેમજ જાણી જોઈને ખોટો રિપોર્ટ આપ્યો. પોતાના નિષ્કર્ષ સુધી પહોંચવા માટે મોદી સરકારે જાણી-જોઈને બે જુદા-જુદા માપદંડોનો ઉપયોગ કર્યો. ભારત માટે ‘વપરાશ આધારિત અસમાનતા’ અને અન્ય દેશો માટે ‘આવક આધારિત અસમાનતા’. તેઓ કહે છે કે બે બાબતોની તુલના કરવા માટે, તેને સમાન ધોરણ દ્વારા ચકાસવા જરૂરી છે અને આ માત્ર આર્થિક વિશ્લેષણનો મૂળભૂત સિદ્ધાંત જ નથી, પરંતુ સામાન્ય સમજનો વિષય પણ છે. ભારતની આવક આધારિત સમાનતા અન્ય દેશો કરતાં ઘણી ઓછી છે.
‘મોદી શાસનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં આવકની અસમાનતા વધી છે. ભારતમાં સંપત્તિ-આધારિત અસમાનતા આવક-આધારિત અસમાનતા કરતાં ઘણી વધારે છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે છેલ્લા ૧૧ વર્ષમાં સત્તા અને મૂડીના જોડાણથી પસંદગીના થોડા ધનિક લોકોને કેટલો મોટો ફાયદો થઈ રહ્યો છે. સરકારના પીઆઈબી દ્વારા ફેલાવવામાં આવતા આ પ્રકારના ભ્રામક વિશ્લેષણ બે ગંભીર સત્યોમાંથી એકને ઉજાગર કરે છે – કાં તો આ સરકારમાં પ્રતિભાનો ખતરનાક અભાવ છે, અથવા બૌદ્ધિક પ્રામાણિકતાનો સંપૂર્ણ અભાવ છે.’
જયરામ રમેશે સરકારને સલાહ આપી કે, પીઆઈબીએ તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ કે આ પ્રેસ રિલીઝ કોના નિર્દેશો પર જારી કરવામાં આવી હતી અને તેને તાત્કાલિક પાછી ખેંચી લેવી જોઈએ. મોદી સરકારના અધિકારીઓ તરફથી મનસ્વી અને અસંગત નિવેદનો એક ખતરનાક વલણ બની રહ્યા છે. મે ૨૦૨૫ માં પણ, ભારતીય અર્થતંત્રના કદ અંગે નીતિ આયોગના અધિકારીઓ તરફથી એક પછી એક વિરોધાભાસી અને મૂંઝવણભર્યા નિવેદનો આપવામાં આવ્યા હતાં.