સંસદમાં ચોમાસુ સત્ર ૨૧ જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. એવામાં ચોમાસુ સત્રમાં મોદી સરકારને ઘેરવા માટે વિરોધ પક્ષોના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના સંગઠન પ્રભારી કેસી વેણુગોપાલે શનિવાર, ૧૯ જુલાઈના રોજ આ બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ), ડીએમકે, એનસીપી (શરદ પવાર જૂથ), ડાબેરી પક્ષો, આરજેડી, જેએમએમ અને આઈયુએમએલ જેવા પક્ષો તેમાં ભાગ લેશે. પરંતુ ટીએમસી અને એએપી એ ભાગ લેશે નહીં.
આ બેઠક અગાઉ દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાવાની હતી, પરંતુ કોંગ્રેસે વિપક્ષી નેતાઓ વ્યાપક પ્રમાણમાં ભાગ લે તેના માટે હવે આ બેઠક ઓનલાઈન કરી દેવામાં આવે છે. પરંતુ આ બેઠક પહેલા ટીએમસી અને એએપી ભાગ ન લેતા ગઠબંધન તિરાડ પડી રહી હોય તેવા સંકેત મળી રહ્યા છે.
આ બેઠક અંગે કોંગ્રેસના સંગઠન પ્રભારી સચિવ કેસી વેણુગોપાલે X પર પોસ્ટ કર્યું કે, ‘દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે શનિવાર, ૧૯ જુલાઈ, ૨૦૨૫ ના રોજ સાંજે ૦૭:૦૦ વાગ્યે ભારતીય પક્ષોના નેતાઓની એક ઓનલાઈન બેઠક થશે.’
ટીએમસી એ સત્તાવાર રીતે કહ્યું છે કે, ૧૯૯૩ માં પશ્ચિમ બંગાળમાં ડાબેરી સરકાર દરમિયાન પોલીસ ગોળીબારમાં ૧૩ લોકોના મોત થયા હતા. તેમની યાદમાં ૨૧ જુલાઈએ કોલકાતામાં એક વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આથી નેતાઓ આ કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત છે. પરંતુ પાર્ટીના આંતરિક સૂત્રો કહે છે કે તેનું વાસ્તવિક કારણ આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ છે. ટીએમસીના એક સાંસદે કહ્યું, ‘અમે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે વારંવાર સ્ટેજ શેર કરી શકતા નથી, કારણ કે તેઓ બંગાળમાં અમારી વિરુદ્ધ છે. અમે રાષ્ટ્રીય મુદ્દાઓ પર I.N.D.I.A. ગઠબંધન સાથે છીએ, પરંતુ વારંવાર તેમની સાથે સંમત થવાથી અમારા કાર્યકરો મૂંઝવણમાં મુકાઈ શકે છે.’ ટીએમસી બંગાળમાં પોતાની અલગ ઓળખ જાળવી રાખવા માંગે છે, જેથી ચૂંટણીમાં કોઈ નુકસાન ન થાય.
આ ઉપરાંત જો આ બેઠકમાં એએપી ના ભાગ લેવાની વાત કરીએ તો, ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં ગઠબંધન સાથે મળીને એએપી એ કામ કર્યું હતું, પરંતુ હવે કદાચ એએપી નો રસ્તો અલગ છે. એએપી ના આ વલણને ગઠબંધન માટે મોટો ઝટકો માનવામાં આવે છે, કારણ કે ગયા વર્ષે ૫ જૂન, ૨૦૨૪ ના રોજ યોજાયેલી ગઠબંધનની બેઠકમાં એએપી નો સમાવેશ કરવામાં આવ્યો હતો.