પાકિસ્તાન મીડીયામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે, પ્રમુખ ટ્રમ્પ પાકિસ્તાનની મુલાકાતે આવવાના છે. પરંતુ વ્હાઈટ હાઉસે તે અહેવાલોને રદીયો આપતાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં યોજાનારી પ્રમુખની વિદેશ યાત્રામાં પાકિસ્તાનની મુલાકાતનો સમાવેશ થતો નથી.
એવા પણ અહેવાલો પાકિસ્તાનની ન્યૂઝ ચેનલો ઉપર વહેતા થયા હતા કે પ્રમુખ ટ્રમ્પ ઇંગ્લેન્ડ પછી પાકિસ્તાનની મુલાકાત લેશે. જો કે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા શાફકત અલિયાને કબુલ્યું હતું કે, અમેરિકાના પ્રમુખની મુલાકાત અંગે અમને કોઈ સત્તાવાર માહિતી નથી. પાકિસ્તાનની મુલાકાતે પ્રમુખ બુશ ૨૦૦૬માં આવ્યા હતા.
વ્હાઈટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટ્ટેએ ગુરૂવારે સ્થાનિક સમય પ્રમાણે જણાવ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પ જુલાઈ ૨૫ થી ૨૯ દરમિયાન સ્કોટલેન્ડની મુલાકાતે જવાના છે. તેઓ વડાપ્રધાન કીર સ્ટારમેર સાથે વ્યાપાર સંબંધી મંત્રણા કરવાના છે. સ્કોટલેન્ડમાં ૨૫ થી ૨૯ જુલાઈ દરમિયાન ટેમ્મેરી અને એબર્ડીન શહેરની મુલાકાત લેશે.
આ પછી તેઓ સપ્ટે. ૧૭ થી ૧૯ દરમિયાન ઇંગ્લેન્ડની સત્તાવાર મુલાકાતે જવાના છે. તેઓ અને ફર્સ્ટ લેડી હીસ મેજેસ્ટી કીંગ ચાર્લ્સને પણ વિન્સર કેસલમાં મળશે. તેઓ માટે આ મુલાકાત ઘણી ગૌરવપૂર્ણ બની રહેશે.