વિયેતનામથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. શનિવારે(૧૯ જુલાઈ) વિયેતનામના હાલોંગ ખાડીમાં પ્રવાસીઓ સવાર હોડી પલટી જતાં ૩૦ થી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ખરાબ હવામાનને કારણે બની હતી. સરકારી મીડિયા અનુસાર, હોડીમાં કુલ ૫૩ લોકો સવાર હતા. દક્ષિણ ચીન સમુદ્રમાંથી ‘વિફા’ વાવાઝોડું વિયેતનામ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે બપોરે લગભગ 2 વાગ્યે (સ્થાનિક સમય) બોટ પલટી ગઈ. આ સમયે દરિયામાં ભારે પવન, ભારે વરસાદ અને વીજળી પણ પડી રહી હતી. મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં ૧૧ લોકોને જીવતા બચાવી લેવાયા છે. જ્યારે ૩૪ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં ૮ બાળકો પણ સામેલ છે.
સ્થાનિક સમાચાર એજન્સીઓના જણાવ્યા અનુસાર, વધુ પડતા પ્રવાસીઓએ રાજધાની હનોઈના રહેવાસી હતા. રાહત અને બચાવ ટીમ હજુ પણ જીવતા બચેલા લોકોની શોધખોળ કરી રહી છે. અત્યાર સુધીમાં પ્રવાસીઓની રાષ્ટ્રીયતાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
વિયેતનામની રાજધાની હનોઈથી ૨૦૦ કિલોમીટર દૂર આવેલી હાલોંગ ખાડીમાં દુર્ઘટના બની છે. દર વર્ષે મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવે છે અને બોટમાં સવારીની મજા માણે છે. આ વર્ષે દક્ષિણ ચીન સાગરમાં આવનારું ત્રીજું વાવાઝોડું વિફા છે, જે ગત અઠવાડિયાની શરૂઆતમાં વિયેતનામના ઉત્તર વિસ્તારમાં ટકરાઈ શકે છે. વાવાઝોડાના કારણે હવામાન ખરાબ થઈ ગયું છે, જેનાથી હવાઈ મુસાફરી પણ ખોરવાઈ છે. નોઈ બાઈ એરપોર્ટે જણાવ્યું કે, શનિવારે ૯ આવનારી ફ્લાઈટને બીજા એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી અને ૩ ફ્લાઈટને કેન્સલ કરવી પડી.