અમદાવાદ એરપોર્ટ પર વિવાદ:પાર્કિંગ ચાર્જ લેવા મુદ્દે પ્રહલાદ મોદીનો હોબાળો, કહ્યું – ‘ગાડી પાર્ક જ કરી નથી તો પાર્કિંગ ચાર્જ શા માટે ઉઘરાવાય છે?’

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર હરિદ્વારથી આવેલા પ્રહલાદ મોદી પાસે અદાણીના કર્મચારીઓએ પાર્કિંગ ચાર્જ લેતાં તેમણે હોબાળો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મેં એરપોર્ટ પર ગાડી પાર્ક કરી જ નથી, હું રોડ ટેક્સ ભરું છું તો પછી પાર્કિંગ ચાર્જ શા માટે આપું. હોબાળા બાદ તેમને પાર્કિંગ ચાર્જ લીધા વગર જવા દેવાયા.

મેં કાર પાર્ક જ નથી કરીઃ પ્રહલાદ મોદી
આ વિવાદની માહિતી આપતાં પ્રહલાદ મોદીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે હું કારને હંમેશાં રોડ પર ઊભી રખાવીને ટર્મિનલમાં આવું ત્યારે ડ્રાઈવરને ફોન કરીને કાર મગાવું છું અને તરત જ બેસીને બહાર નીકળી જાઉં છું. ગઈકાલે પણ હરિદ્વારથી આવ્યા બાદ હું ટર્મિનલમાંથી બહાર નીકળ્યો ત્યારે કાર મગાવી, કારમાં બેસીને બહાર નીકળતો હતો ત્યારે પાર્કિંગ ટોલ બૂથ પર અદાણીના માણસોએ પાર્કિંગ ચાર્જ પેટે તેમની પાસે 90 રૂપિયા માગ્યા હતા.

કર્મચારીએ કાર જમા કરવાની ધમકી આપી હતી
ત્યારે તેમણે જણાવ્યું હતું કે મારી ગાડી 10 મિનિટ પણ ત્યાં રોકાઈ નથી તો પાર્કિંગ ચાર્જ શું કામ આપું? જો મારી કાર અડધો કે એક કલાક પાર્કિંગમાં મુકી હોય તો હું પાર્કિંગ ચાર્જ આપું. પરંતુ મેં પાર્કિંગમાં કાર મૂકી જ નથી તો ચાર્જ શું કામ આપું? અદાણીને એરપોર્ટનું સંચાલન કરવા માટે આપ્યું છે, તો ટર્મિનલની અંદરની વ્યવસ્થામાં ધ્યાન આપે. બહાર આવતાં વાહનો પાસે સરકાર રોડ ટેક્સ વસૂલે છે. આ વિવાદ દરમિયાન પાર્કિંગ કર્મચારીઓએ અધિકારીને ફોન કરી કાર જમા કરવાની વાત કરતા, મોદીએ કહ્યું હતું કે તમે કાર જમા લઈ કેસ કરી શકો છે, પરંતુ હું ચાર્જ તો નહીં જ ચૂકવું. જોકે આ સમય દરમિયાન અધિકારીનો સંપર્ક ન થતાં છેવટે ચાર્જ લીધા વગર તેમને જવા દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *