લોકસભા અને રાજ્યસભામાં ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થયુ છે. પરંતુ વિપક્ષના હોબાળા વચ્ચે સદનની કાર્યવાહી છેલ્લા ત્રણ દિવસથી આગળ વધી રહી નથી. વિપક્ષ ઓપરેશન સિંદૂર, પહલગામ આતંકી હુમલો, ટ્રમ્પના દાવાઓ મુદ્દે ચર્ચા કરવા માગે છે. જેના પર સત્તાધારી પક્ષે પણ તૈયારી દર્શાવી છે. ઓપરેશન સિંદૂર મામલે લોકસભામાં ૨૮ જુલાઈએ અને રાજ્યસભામાં ૨૯ જુલાઈના રોજ ચર્ચા થશે. મીડિયા રિપોર્ટ અનુસાર, બંને સદનોમાં ચર્ચા માટે ૧૬-૧૬ કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
છેલ્લા ત્રણ દિવસથી વિપક્ષ ઓપરેશન સિંદૂર, બિહાર વોટર વેરિફિકેશન જેવા મુદ્દા પર હોબાળો કરી રહ્યું છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આજે જણાવ્યું કે, ‘સરકાર કહે છે કે, ઓપરેશન સિંદૂર ચાલુ છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ બંધ કરવાનો દાવો કરી ચૂક્યા છે. ટ્રમ્પે ૨૫-૨૫ વખત દાવો કર્યો છે કે, તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું. તે આવુ બોલનારા કોણ છે, ભારતને કોઈ દેશે આ મામલે મદદ કરી નથી. પરંતુ ટ્રમ્પના દાવા પર પીએમ મોદી મૌન છે. જે સંકેત આપે છે કે, દાળમાં કંઈક કાળુ છે.’
લોકસભામાં વોટર બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળો થયો હતો. વિપક્ષ સાંસદોએ તેનો વિરોધ નોંધાવતાં કાળા કપડાં પહેર્યા હતાં. સુત્રોચ્ચાર કરતાં વેલમાં પહોંચ્યા હતાં. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તમામને શાંતિ રાખવા અપીલ કરતાં કહ્યું હતું કે, તમે રસ્તા જેવો વ્યવહાર સંસદમાં કરી શકો નહીં. આજે આ હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ગુરૂવારે સવારે ૧૧:૦૦ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ વિરોધમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી, સપા સાંસદ જયા બચ્ચન સહિત અનેક મહિલા સાંસદ પણ જોડાયા હતાં. તેમણે હાથમાં કાળા રંગની પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો.
પહલગામમાં ૨૨ એપ્રિલના રોજ આતંકી હુમલા બાદ બદલો લેવા ભારત સરકારે ૭ મેના રોજ ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણાં પર હુમલો કર્યો હતો. ત્યારબાદ બંને દેશો વચ્ચે સ્થિતિ વણસી હતી. બંને દેશો વચ્ચે તણાવ વધ્યાં બાદ ૧૦ મેના રોજ સીઝફાયર થયુ હતું. આ સીઝફાયરની સૌથી પહેલા જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પે સાંજે ૦૫:૩૩ વાગ્યે કરી હતી. આ સીઝફાયર તેમની મધ્યસ્થીના કારણે થયુ હોવાનો દાવો કર્યો હતો. જો કે, ભારતે સ્પષ્ટપણે ટ્રમ્પના આ દાવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ અનેક કાર્યક્રમોમાં અને સોશિયલ મીડિયા પર ટ્રમ્પ લગભગ ૨૫ વખત કહી ચૂક્યા છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર તેમના લીધે થયુ છે.