ઇડી એ ગુરુગ્રામ જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગનો આરોપ લગાવતા રોબર્ટ વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં વાડ્રા, અન્ય વ્યક્તિઓ અને કંપનીઓ પર ઓછી કિંમતે જમીન ખરીદવાનો અને પછીથી તેને વધુ કિંમતે વેચવાનો આરોપ છે.
ગુરુવારે (૧૭ જુલાઈ, ૨૦૨૫) ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને વ્યવસાયી રોબર્ટ વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી. આ ચાર્જશીટ ગુરુગ્રામ જમીન કેસમાં મની લોન્ડરિંગ સાથે જોડાયેલી છે, જેમાં રોબર્ટ વાડ્રા (આરોપી ૧), સત્યાનંદ યાજી (આરોપી ૨), કેવલ સિંહ વિરક (આરોપી ૩) અને અમુક કંપનીઓ (આરોપી ૪ થી ૧૧) જેમ કે મેસર્સ સ્કાય લાઈટ હોસ્પિટાલિટી પ્રા.લિ., મેસર્સ સ્કાય લાઇટ રિયલ્ટી પ્રા. લિ.. અને મેસર્સ ઓંકારેશ્વર પ્રોપર્ટીઝ પ્રા. લિ..ને આરોપી બનાવવામાં આવ્યા છે.
આ મામલો ૧ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ હરિયાણા પોલીસ દ્વારા ગુડગાવના ખેડકી દૌલા સ્ટેશનમાં ૦૨૮૮ નંબરની એફઆઈઆર થી શરુ થયો હતો. આ એફઆઈઆર રોબર્ટ વાડ્રા, હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, ડીએલએફ કંપની, M/s ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય લોકો સામે આઈપીસી ની વિવિધ કલમો (૧૨૦-B, ૪૨૦, ૪૬૭, ૪૭૧) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
ઇડી નો આરોપ છે કે જમીન લે-વેચની આડમાં રાજનૈતિક પ્રભાવનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો, સરકારી નિયમોને નજરઅંદાજ કરીને લાઇસન્સ મેળવવામાં આવ્યા હતા અને જમીનને ઊંચા ભાવે વેચીને ગેરકાયદેસર નફો કમાવવામાં આવ્યો હતો. આ બધું કથિત રીતે મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચાર સાથે જોડાયેલું છે.