સુરતના પુણા વિસ્તારમાં આવેલા સમ્રાટ એપાર્ટમેન્ટના રહીશોને કોર્પોરેશનની ટીમ દ્વારા આવીને એકાએક મકાન ખાલી કરાવી દેવાયા હતા. લોકો કંઇ સમજે તે પહેલા તંત્ર દ્વારા તમામ લોકોને ફ્લેટ છોડી દેવા માટે આદેશ અપાયો હતો. એકાએક જ મકાન ખાલી કરાવવામાં કેમ આવ્યા તે અંગે પણ લોકો હજી અવઢવ અનુભવી રહ્યા છે. જો કે જ્યારે તમામ લોકો નીચે ઉતર્યા ત્યાર બાદ તંત્ર દ્વારા તેમને જાણ કરવામાં આવી હતી કે, ભારે વરસાદના કારણે પાણી ભરાઇ જવાથી ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલી રહી હતી. જો કે આ કામગીરી દરમિયાન ખાડીનો એક ભાગ બેસી ગયો હતો.
જેના કારણે સમ્રાટ એપાર્ટમેન્ટ નમી જાય તેમ હોવાથી આ આખુ બિલ્ડિંગ જ જોખમી બન્યું હતું. જેથી સુરત કોર્પોરેશનની દબાણ શાખાના અધિકારીઓ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સમ્રાટ એપાર્ટમેન્ટમાં ઘુસી જઇને લોકોને તત્કાલ અસરથી ખાલી કરાવવા માટે બહાર નિકળી જવાનું જણાવ્યું હતું. લોકોને પોતાની વસ્તુઓ લેવા માટેનો સમય પણ અપાયો નહોતો. જેથી લોકોને તત્કાલ ફ્લેટને તાળા મારીને નીચે ઉતરી જવા જણાવાયું હતું. ૧૦ પરિવારોના આશરે ૪૦ થી ૫૦ લોકોને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી ૧૫ થી ૨૦ લોકોને કોમ્યુનિટીમાં શિફ્ટ કરાયા હતા. તો અન્ય લોકો આસપાસમાં પોતાના સગા સંબંધીઓનાં ઘરે જવાનો નિર્ધાર જણાવ્યો હતો. જેથી તેમને જવા દેવાયા હતા.
આ અંગે સુરત કોર્પોરેશનની દબાણ શાખાના સુપર વાઇઝર ભાવિન નામના એક વ્યક્તિએ જણાવ્યું કે, ફ્લેટ નમી ગયો છે કે શું થયું છે તે અંગે અમને કોઇ જ માહિતી નથી. અમને તો માત્ર ઉપરી અધિકારીએ ફોન કરી ફ્લેટ ખાલી કરાવાનું કહેતા અમે કામગીરી કરી છે. કયા કારણસર ખાલી કરાવી રહ્યા છે તે અંગે તમારે અન્ય અધિકારીઓ પાસેથી માહિતી મેળવવી જોઇએ. અમારા ઉપરી અધિકારીનો ફોન આવ્યો હતો કે, સમ્રાટ એપાર્ટમેન્ટમાં તાત્કાલિક પહોંચો અને ફ્લેટમાં રહેતા તમામ લોકોને બહાર કાઢી લો અને કોમ્યુનિટી સેન્ટરમાં શિફ્ટ કરો. જેથી અમે આવીને ફ્લેટ ખાલી કરાવીને જે લોકો કોમ્યુનિટી સેન્ટરમાં જવા ઇચ્છતા હતા તેમને ત્યાં પહોંચાડ્યા છે. જ્યારે જે લોકો પોતાના સગાસંબંધીને ત્યાં જવા ઇચ્છતા હતા તેમને જવા દીધા છે. હાલ તો કેટલાક લોકોને મરઘા કેન્દ્ર પાસે અથવા તો સમ્રાટ કોમ્યુનિટિ હોલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે કેટલાક લોકો પોતાના સગા સંબંધીઓને ત્યાં ગયા છે.