પરદેશમાં વપરાતી રસી ભારતમાં આયાત થશે : રસીકરણ ઝડપી બનાવવા નિર્ણય…

નવી દિલ્હી : ભારતમાં રસીકરણ ઝૂંબેશ વધારે ઝડપી અને વ્યાપક બને એ માટે સરકારે પરદેશી રસીઓ આયાત કરવાનો નિર્ણય લીધો છે. રસીકરણ એક્સપર્ટ ગૂ્રપની સલાહ પછી સરકાર ટૂંક સમયમાં આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરશે. અન્ય દેશોમાં મંજૂર થયેલી મોડેર્ના, જોન્સન, ફાઈઝર વગેરે રસીઓ આયાત કરાશે. રસી લેનારાઓ પોતાની પસંદગી પ્રમાણે રસી લઈ શકશે.

બીજી તરફ ભારતે રશિયન રસી સ્પુતનિકને યોગ્ય ઠેરવી છે. સરકાર ટૂંક સમયમાં તેના વપરાશને પણ મંજૂરી આપી શકે એમ છે. ભારતમાં ડોક્ટર રેડ્ડીઝ દ્વારા રશિયા માટે આ રસી બને જ છે. પરંતુ હવે રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ)થી અન્ય કંપનીઓ પણ આ રસી બનાવતી થશે. એ કંપનીઓમાં ગ્લેન્ડ ફાર્મા, હેટ્રો બાયોફાર્મા, પિનાસિઆ બાયોટેક, સ્ટેલિસ બાયોફાર્મા અને વિર્ચો બાયોફાર્માનો સમાવેશ થાય છે.  ભારતમાં આ રસીના વર્ષે ૮૫ કરોડ ડોઝ બનાવાની ક્ષમતા છે. રશિયાની આ રસી જગતના ૫૯ દેશો મંજૂર કરી ચૂક્યા છે, મંજૂરી આપનારો ભારત ૬૦મો દેશ છે.

પરદેશી રસી અયાત થશે તો શરૂઆતમાં ૧૦૦ નાગરિકોને અપાશે અને તેના પર અસરની તપાસ થશે. જો બધુ બરાબર જણાશે તો દેશમાં તેનો વ્યાપક ઉપયોગ થવા દેવાશે. ભારતમાં રસીકરણ વ્યાપક બને અને મહત્તમ લોકો આવરી લેવાય એ અત્યારના સમયનમી સૌથી મોટી જરૂરિયાત છે. એ ધ્યાનમાં રાખીને સરકાર વિવિધ પગલાં ભરી રહી છે.

દરમિયાન પુના સ્થિત કંપની જિનોવા બાયોફાર્માએ ભારતની પ્રથમ આરએનએ આધારીત રસી તૈયાર કરી છે. આ રસી ક્લિનિકલ ટ્રાયલના તબક્કામાં પહોંચી છે. ટૂંક સમયમાં રસીનું પ્રથમ અને બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ એટલે કે મનુષ્ય પર રસીનો પ્રયોગ શરૂ થશે. આ રસી વિકસાવવા માટે સરકારના સાયન્સ-ટેકનોલોજી મંત્રાલયે ફંડ આપ્યું હતું અને હજૂ જરૂર પ્રમાણે ફંડ પુરું પાડશે.

રેમડેસિવિર ઘરવપરાશ માટે નથી, ગંભીર દર્દીઓ માટે છે

કેન્દ્રએ ગુરુવારે જણાવ્યું હતું કે ડોક્ટરોએ એન્ટિ-વાઇરલ ડ્રગ રેમડેસિવિરના ઉપયોગ અંકે વધારે તર્કબદ્ધ અને ન્યાયી અભિગમ અપનાવવો જોઈએ અને આ દવા કોવિડ-૧૯ના હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ-૧૯ના ગંભીર દર્દીને જ આપવી જોઈએ, તે કંઈ ઘરવપરાશ માટે નથી.  સાપ્તાહિક પત્રકાર પરિષદમાં નીતિ આયોકના સભ્ય હેલ્થ ડો. વી કે પૌલે જણાવ્યું હતું કે રેમડેસિવિરનો ઉપયોગ ફક્ત હોસ્પિટલાઇઝ થયો હોય અને ઓક્સિજન સપોર્ટ પર હોય તેના માટે જ કરવો જોઈએ. આ તેના ઉપયોગની પૂર્વશરત છે. આ ઉપરાંત તેના ઘરવપરાશ કે હળવા લક્ષણો ધરાવનારાઓ માટે તેના ઉપયોગને કોઈ સવાલ જ નથી, તેને કંઈ કેમિસ્ટની દુકાનેથી ન ખરીદી શકાય.

કેટલાક વિસ્તારોમાં રેમડેસિવિરની અછત વર્તાઈ રહી છે અને તેની નિકાસ પ્રતિબંધિત છે અને દેશમાં વિપુલ પ્રમાણમાં આ દવા ઉપલબ્ધ છે. કેમિસ્ટની દુકાનની બહાર રેમડેસિવિરની લાઇનના લીધે મોટો વિસંગતા ઊભી થઈ છે.

તેમણે જણાવ્યું હતું કે અમે ફિઝિશિયન્સને વધારે તર્કબદ્ધ અભિગમ અપનાવવા અને રેમડેસિવિર હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓ માટે જ પ્રિસ્ક્રાઇબ કરવા વિનંતી કરીએ છીએ. કોવિડ-૧૯ કેસોમાં થયેલા વધારાના લીધે રેમડેસિવિરની માંગ વધતા સરકારે રવિવારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરિસ્થિતિ સુધરે નહી ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે.

હોસ્પિટલો અને દર્દીઓને રેમડેસિવિરની દવા પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે આ ઇન્જેક્શન અને દવાનું ઉત્પાદન કરતા બધા સ્થાનિક ઉત્પાદકોને તેની વિગતો વેબસાઇટ પર દર્શાવવા અને તેના સ્ટોકિસ્ટ તથા વિતરકોની વિગતો દર્શાવવા કહેવાયું છે, જેથી આ દવા સુગમતાથી પૂરી પાડી શકાય, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

ડ્રગ ઇન્સ્પેક્ટરો અને અન્ય ઓફિસરોને તેના સ્ટોક્સની અને તેના અંગે ચાલતી ગેરરીતિની તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. તેનો સંગ્રહ અને બ્લેક માર્કેટિંગ અટકાવવા અસરકારક પગલાં લેવાનું કહેવાયું છે.

રસીથી હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા 85 ટકા ઘટે છે

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચના ડાયરેક્ટર જનરલે કોરોનાની રસીના મહત્વ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોવેક્સિન અને કોવિડશીલ્ડ રસી લેવાથી હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતાઓ ૮૫ ટકા ઘટી જાય છે.

તેમણે દાવો કર્યો હતો કે કોરોના સામે રક્ષણ આપવામાં મદદરુપ આ રસી એટલી સક્ષમ છે કે તેના લેવાથી હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતાઓ ૮૫ ટકા ઓછી થઇ જાય છે. એટલુ જ નહી કોરોનાને કારણે થતા મૃત્યુ અને ઇન્ફેક્શનનું પ્રમાણ પણ ઘટી જાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે હાલ ભારતમાં કોવેક્સિન અને કોવિડશીલ્ડ રસી આપવામાં આવી રહી છે, જે ડોસીઝ મોડીફાઇંગ રસી છે. આ રસી લેવાથી શરીરમાં એન્ડીબોડી ડેવલપ થાય છે જેનાથી કોરોનાના ઇંફેક્શન અને મૃત્યુની શક્યતાઓ ઘટી જાય છે. જે લોકો રસી લે છે તેમને બાદમાં હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓએ કોરોના મહામારી સામે મહત્વપૂર્ણ આ રસી જરુર લેવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *