અમદાવાદ યૂનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરાશે

કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દર્દીઓને સારામાં સારી સારવાર આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સરકારે ભારત સરકારના ગૃહ મંત્રાલયના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના સહયોગથી અમદાવાદમાં 900 બેડની સંપૂર્ણ સુવિધાથી સજ્જ ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરવાની અભૂતપૂર્વ પહેલ કરી છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં આગામી બે અઠવાડિયામાં આ હોસ્પિટલ કાર્યરત કરાશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે ગાંધીનગરમાં કોર કમિટીની બેઠકમાં હોસ્પિટલના નિર્માણની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. અમદાવાદમાં 132 ફૂટ રીંગ રોડ પર આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 900 બેડની ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં 150 ICU બેડ હશે, જયાં 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ હોસ્પિટલના સંચાલન અને વહીવટ માટે ઉપયોગી સૂચનો કર્યા હતા. ગુજરાતમાં કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર આપી શકાય એ માટે વ્યવસ્થાઓ વધારવામાં મદદરૂપ થવા ગુજરાત સરકારે ભારત સરકારને વિનંતી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ અભૂપૂર્વ પહેલને સાકાર કરવામાં મદદ કરી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ માટે કેન્દ્ર સરકારનો આભાર માન્યો. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં આગામી બે અઠવાડિયામાં આ હોસ્પિટલ ઉભી કરાશે. જેના સંચાલનની જવાબદારી રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માને સોંપવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. હિમાંશુ પંડયા અને ડીઆરડીઓના કર્નલ બી. ચૌબે ઉપરાંત ગુજરાત સરકારના સંલગ્ન વિભાગના અધિકારીઓ આ હોસ્પિટલના સંચાલનમાં સહયોગ આપશે. 900 બેડની આ હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ અને ક્રિટીકલ કેરની સુવિધા હશે. આ સ્થળે દર્દીઓ માટે ટોઈલેટ-બાથરૂમ જેવી તમામ સુવિધાઓ હશે. હેલ્પડેસ્ક ઉપરાંત દર્દીઓ અને તબીબો તથા પેરામેડીકલ સ્ટાફ માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા હશે.

ફરજ બજાવતા તબીબો અને પેરામેડીકલ સ્ટાફ માટે રેસ્ટરૂમની વ્યવસ્થા પણ ઉભી કરાશે.આગામી બે અઠવાડિયામાં આ હોસ્પિટલ કાર્યરત થઈ જાય તે માટે અગ્રતા અને યુદ્ધના ધોરણે કામ શરૂ કરવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ DRDOના કર્નલ બી. ચૌબે અને અગ્ર સચિવ અંજુ શર્માને જરુરી સૂચનાઓ આપી હતી. જેથી અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે તાકીદે વ્યવસ્થા ઉભી કરી શકાય.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *