દક્ષિણ ભારતના મહત્ત્વપૂર્ણ રાજ્ય તમિલનાડુના રાજકારણમાં એક મોટો ઘટનાક્રમ જોવા મળ્યો. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એઆઈએડીએમકે માંથી હાંકી કાઢવામાં આવેલા એઆઈએડીએમકે નેતા ઓ. પન્નીરસેલ્વમ (ઓપીએસ) એ ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) થી અલગ થવાની જાહેરાત કરી. તેમણે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને મોર્નિંગ વોક દરમિયાન મળ્યાના થોડા કલાકો પછી આ પગલું ભર્યું.
આ નિર્ણય પહેલાં ઓપીએસ એ તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમની તાજેતરની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તેમને મળવું તેમના માટે ‘ગર્વની વાત’ હશે અને તેમણે ઔપચારિક રીતે મુલાકાતની પણ માંગ કરી હતી.
ઓપીએસ ને મુલાકાતનો સમય આપવામાં આવ્યો ન હતો. આ અવગણના પછી, તેમણે સર્વ શિક્ષા અભિયાનના ભંડોળના વિતરણમાં વિલંબ માટે સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારની જાહેરમાં ટીકા કરી હતી. આ ઘટનાક્રમને હવે એક વળાંક તરીકે જોવામાં આવી રહ્યો છે. જેના કારણે ઓપીએસ ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનમાંથી બહાર નીકળવા માટે પ્રેરિત થયા.

આ જાહેરાત ભૂતપૂર્વ મંત્રી અને ઓપીએસ ના લાંબા સમયથી વિશ્વાસુ, પનરુતિ એસ રામચંદ્રન દ્વારા કરવામાં આવી હતી. તેમણે પુષ્ટિ આપી કે તેમનો પક્ષ ભાજપની આગેવાની હેઠળના એનડીએ સાથેનું જોડાણ તોડી રહ્યો છે. તેમણે કહ્યું કે અમે એનડીએ સાથેનું જોડાણ તોડી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે ઓપીએસ ટૂંક સમયમાં ૨૦૨૬ ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યવ્યાપી પ્રવાસ શરૂ કરશે. તેમણે એમ પણ કહ્યું કે હાલમાં કોઈપણ પક્ષ સાથે કોઈ જોડાણ નથી. ભવિષ્યમાં, ચૂંટણી નજીક આવતાં અમે જોડાણ અંગે નિર્ણય લઈશું.
