અમેરિકામાં ગુરૂવારે પૂર્વ દરિયાકાંઠે પડેલા ભારે વરસાદને કારણે અનેક ફલાઇટો વિલંબિત રહી હતી તથા ફિલાડેલ્ફિયા ક્ષેત્રથી ન્યૂયોર્ક શહેર સુધી વ્યસ્ત હાઇવે પર ઉંડા પાણીમાં ફસાયેલા વાહનચાલકોને બચાવવા માટે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ન્યૂયોેર્કમાં સાંજનો વ્યસ્ત સમય આવતાની જ સાથે જ અચાનક આવેલા પૂરને કારણે મુખ્ય માર્ગો કેટલાક સમય માટે બંધ થઇ ગયા હતાં તથા મેટ્રોપોલિટન પ્રદેશના રેલવે સ્ટેશનો પાણીમાં ડૂબી ગયા હતાં.
યાત્રીઓએ મેનહટ્ટનના ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલના પ્લેટફોર્મ પર એક ટ્રેનની ઉપર પાણી ભરાતા અને બુ્રકાલિનની પૂરગ્રસ્ત સડકથી પસાર થતી વખતે એક સિટી બસના ફર્શ પર પાણી જમા થવાનો વીડિયો બનાવ્યો હતો.
પૂરનું પાણી વધવાને કારણે લોન્ગ આઇલેન્ડ જતી એક યાત્રી ટ્રેનના યાત્રીઓને ફાયર ડિપાર્ટમાન્ટના કર્મચારીઓએ સુરક્ષિત રીતે બહાર કાઢયા હતાં. લોન્ગ આઇલેન્ડ અને ન્યૂ જર્સીની અન્ય યાત્રી ટ્રેનો રદ કરવામાં આવી હતી અથવા તેમાં ભારે વિલંબ થયો હતો.
એમટ્રેકના અધિકારીઓએ ગુરૂવાર સાંજે જાહેરાત કરી હતી કે ફિલાડેલ્ફિયા અને વિલમિંગટન, ડેલાવેયરની વચ્ચે ટ્રેનો રોકી દેવામાં આવી હતી કારણકે ભારે પૂરને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઇ ગયા હતાં.
કંપનીના અધિકારીઓએ એક્સ પર જણાવ્યું હતું કે એક વખત રૂટ ઉપલબ્ધ થવા પર થોડાક વિલંબની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં એક કલાકમાં ૩ ઇંચ સુધી વરસાદ પડયો હતો. ન્યૂયોર્કના મેટ્રો સ્ટેશનોમાં પાણી ભરાઇ ગયા હતાં.
ન્યૂજર્સીમાં ૨૦ હજારથી વધુ લોકો ૨૪ કલાક સુધી વીજળી વગર રહ્યાં હતાં. ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, વોશિંગ્ટન અને ફિલાડેલ્ફિયાના એરપોર્ટ પર ફલાઇટ રદ કરવામાં આવી હતી. હવામાન વિભાગે વોશિંગ્ટન, બાલ્ટીમોર, ફિલાડેલ્ફિયા અને ન્યૂયોર્ક શહેર માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે.

