ટ્રમ્પે તેના વિરોધીઓ, અન્ય દેશો, અમેરિકન ઇકોનોમીને તો ફટકો માર્યો જ છે, પરંતુ તેણે તેના અબજપતિ મિત્રોને પણ બક્ષ્યા નથી. ટ્રમ્પના સમર્થક એવા અબજપતિઆને હવે તેને સમર્થન આપવા બદલ પેટ ભરીને પસ્તાવવાનો વખત આવ્યો છે. તેમા પણ ટ્રમ્પના સમર્થનમાં સૌથી વધુ કૂદી-કૂદીને બોલેલા ટેસ્લાના માલિક મસ્કની સંપત્તિમાં ચાલુ વર્ષે ૮૦ અબજ ડોલરનું જંગી ધોવાણ થયું છે.
ટ્રમ્પને જોરદાર સમર્થન કરનારા ઇલોન મસ્કની સંપત્તિ ટ્રમ્પ ચૂંટાઈ આવતા ૫૦૦ અબજ ડોલરનો ઐતિહાસિક આંકડો વટાવી જશે તેમ માનવામાં આવતું હતું, પરંતુ ઓળખીતો જમાદાર બે ડંડા વધારે મારે તેમ ટ્રમ્પે તો જાણે મસ્કની કંપનીમાં ખાતર પાડયુ હોય તેમ તેને રીતસરના એક પછી એક ઝાટકા આપવા લાગતા ચાલુ વર્ષે મસ્કની સંપત્તિ ૮૦.૫ અબજ ડોલર ઘટી છે. આમ મસ્કની સંપત્તિ ૪૩૨ અબજ ડોલરના આંકડા પરથી ૩૫૨ અબજ ડોલર પર આવી ગઈ છે. તેથી જ મસ્કે ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું છે. મસ્કને લાગ્યું છે કે ટ્રમ્પને સંભાળવા કરતા કંપની સંભાળવી સરળ છે. બે ઘોડા પર સવારી કરી નહીં શકાય.
ટ્રમ્પની જોડે રહ્યા તો ક્યાંક કંપનીએ દેવાળું ફૂંકવાનો સમય આવી શકે. આ મસ્કે ટ્રમ્પના પ્રચાર પાછળ પોતાના ગજવામાંથી ૩૦ કરોડ ડોલર ખર્ચ્યા હતા, બદલામાં તેણે હવે ૮૦ અબજ કરતાં પણ વધુ ડોલરની ખોટનો સામનો કરવાનો આવ્યો છે. તેથી જ કહેવાય છે કે રાજકારણી સાથે મિત્રતા શત્રુતા કરતાં પણ વધુ ખતરનાક નીવડી શકે છે. જો કે સંપત્તિમાં જંગી ઘટાડા પછી પણ મસ્ક વિશ્વના ધનવાનોમાં ટોચ પર છે, પરંતુ ટ્રમ્પ તેમની પાછળ જે રીતે પડી ગયા છે તે જોતાં તે રહે તેમ લાગતું નથી. તેરી સંપત્તિ મેરી સંપત્તિ સે જ્યાદા કેસે, તે સિદ્ધાંત અહીં પણ લાગુ પડતો લાગે છે. શુક્રવારે ડાઉડોન્સે ૬૦૦ પોઇન્ટનો કડાકો નોંધાવ્યો ત્યારે મસ્કની સંપત્તિ વધુ ૪.૦૩ અબજ ડોલર ઘટી હતી. જ્યારે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની સંપત્તિમાંથી શુક્રવારે એક જ ઝાટકે ૧૭.૨ અબજ ડોલર સાફ થઈ ગયા હતા. તેની સાથે તેમની નેટવર્થ ઘટીને ૨૩૭ અબજ ડોલર રહી ગઈ છે. તે વિશ્વના ધનવાનોમાં ચોથા સ્થાને છે. જ્યારે ઓેરેકલના સ્થાપક લેરી એલિસનની સંપત્તિમાં શુક્રવારે લગભગ દસ અબજ ડોલરનો ઘટાડો થયો હતો. આ સાથે તે ૨૯૫ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અબજપતિઓમાં બીજા સ્થાને છે.
ફેસબૂકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મના સીઇઓ માર્ક ઝકરબર્ગની નેટવર્થ ૮.૦૮ અબજ ડોલરના ઘટાડા સાથે ૨૫૩ અબજ ડોલર છે. તેઓ વિશ્વના અબજપતિઓમાં ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત સ્ટીવ બાલ્મેરે શુક્રવારે ૩.૦૨ અબજ ડોલર, લેરી પેજે ૨.૩૧ અબજ ડોલર, સર્ગેઇ બ્રિને ૧.૫૯ અબજ ડોલર, એનવિડીયાના સ્થાપક અને સીઇઓ જેસન હુઆંગે ૩.૯ અબજ ડોલર, વોરન બફેએ ૮૯.૬ કરોડ ડોલર ગુમાવ્યા. જ્યારે ૧૧ માં નંબર પરના માઇકલ ડેલે ૨.૭૨ અબજ ડોલર અને બિલ ગેટ્સે ૧.૦૯ અબજ ડોલર ગુમાવ્યા હતા.